ગાંધીનગર: આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની ગાંધીનગર પોલીસે અટકાયત કરી છે. પોલીસ સાથે ઝપાઝપી કરતા યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. વિદ્યાસહાયકોની ભરતીના ચાલી રહેલા વિવાદ મુદ્દે યુવરાજસિંહની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
ગાંધીનગરમાં સતત બીજા દિવસે વિદ્યાસહાયક ઉમેદવારોએ વિરોધ કર્યો છે. આજે સચિવાલયના ગેટ નંબર 4 આગળ વિદ્યાસહાયક ઉમેદવારો રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. જ્યારબાદ પોલીસે તમામની અટકાયત કરી છે. આ સમયે એક મહિલા ઉમેદવાર બેભાન થઈ ગયા હતા. ગઈકાલે પણ વિદ્યાસહાયક ઉમેદવારોએ સચિવાલયના ગેટ નંબર 1 પર વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાસહાયક ઉમેદવારોની માંગ છે કે, ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં પરંતુ મહેકમ પ્રમાણે 12500 જગ્યા પર ભરતી કરવામાં આવે.
ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત
ભરતીને લઈ વિદ્યા સહાયક ઉમેદવારોમાં આક્રોશ યથાવત છે. મોટી સંખ્યામાં વિદ્યાસહાયક ઉમેદવારો સોમવારે પાટનગર ગાંધીનગર પહોંચ્યા હતા. સચિવાલય બહાર ધરણાં પર બેસી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમની માંગ હતી કે ફક્ત 3 હજાર 300 જગ્યા પર ભરતી નહીં પરંતુ મહેકમ પ્રમાણે સાડા બાર હજાર જગ્યા પર ભરતી કરવામાં આવે. ધરણાં પર બેઠી વિદ્યાસહાયક મહિલા ઉમેદવારોની પોલીસે જ્યારે અટકાયત કરી તો તે ભાવૂક થઈ ગઈ. આ તરફ કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે પ્રાથમિક શાળામાં 20 હજાર શિક્ષકોની ઘટ છે. તેમ છતાં સરકાર ભરતી નથી કરતી.
વિદ્યાસહાયકોની ભરતી અંગે કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સોમવારે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં 20 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે તેમ છતા માત્ર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. RTEનો અમલ કરવામાં આવે તો 30 હજાર શિક્ષકોની ઘટ છે. 4 વર્ષથી ભરતી કરવામાં નથી આવી, લાંબી લડાઈ પછી માત્ર 3300 જગ્યા ભરવાની સરકારે જાહેરાત કરી છે. 700 શાળાઓ 1 શિક્ષકથી ચાલે છે. જ્યારે 47 હજારથી વધારે ટેટ ટાટ પાસ ઉમેદવારો બેરોજગાર છે. 10 હજાર વિદ્યાસહકોની ભરતી કરવા કોંગ્રેસની માંગ છે.