Gandhinagar :  રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના નિર્માણ માટે પ્લાન્ટ સ્થપાવા જય રહ્યો છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની હાજરીમાં આ માટે એમ.ઓ.યુ સાઈન કરવામાં આવ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં કચ્છ ખાતે ઈલેક્ટ્રોનિક વાહન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્ય સરકાર અને યુએસ સ્થિત ટ્રાઈટોન ઈલેક્ટ્રિક વ્હીકલ, એલસીસી વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટથી કચ્છના યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા થશે.=





ગાંધીનગરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તા અને ટ્રાઇટોન ઇલેક્ટ્રિક વ્હીકલના સ્થાપક અને સીઇઓ હિમાંશુ પટેલ વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.કંપની યુએસમાં ઇલેક્ટ્રિક સેમી-ટ્રક, એસયુવી, ઇલેક્ટ્રિક સેડાન, ડિફેન્સ ઇવી અને ઇ-રિક્ષાનું ઉત્પાદન કરે છે.


વાર્ષિક 50,000 ટ્રકનું થશે ઉત્પાદન 
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય તરફથી એક નિવેદનમાં જણાવાયું છે કે એમઓયુ મુજબ ટ્રાઇટોન ઇલેક્ટ્રિક વ્હીકલ 50,000 ટ્રકની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા સાથે 645 એકર જમીનમાં પ્લાન્ટ સ્થાપશે.રાજ્ય સરકાર હાલની નીતિ અનુસાર આ પ્લાન્ટની સ્થાપના માટે જરૂરી મંજૂરીઓ અને નોંધણી પ્રક્રિયા પૂરી પાડવામાં મદદ કરશે, એમ તેણે જણાવ્યું હતું.


1200 કરોડનું પ્રારંભિક રોકાણ 
ટ્રાઇટોન ઇલેક્ટ્રિક વ્હીકલ ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 1,200 કરોડના પ્રારંભિક રોકાણ સાથે પ્લાન્ટ શરૂ કરશે. કંપનીનું કુલ રોકાણ 10,800 કરોડ રૂપિયા હશે. આ પ્લાન્ટ લગભગ 10,000 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. કંપની રોબોટિક પેઇન્ટ શોપ, ચેસીસ સબ-એસેમ્બલી અને ક્વોલિટી એશ્યોરન્સ અને મટિરિયલ ટેસ્ટિંગ લેબ જેવી ઇન-હાઉસ સુવિધાઓ પણ સ્થાપશે.