Union Budget 2024: કેન્દ્રીય બજેટ 2024 નાણા મંત્રી નિર્મલા સીતારમણ 22 જુલાઈએ સંસદમાં રજૂ કરશે. આ સિવાય આર્થિક સર્વે 3 જુલાઈના રોજ જાહેર થવાની ધારણા છે. એક ન્યૂઝ પોર્ટલે સરકારી સૂત્રોને ટાંકીને આ માહિતી આપી છે.


ન્યૂઝ18એ સરકારી સૂત્રોને ટાંકીને આ સમાચાર આપ્યા છે. ઉલ્લેખનિય છે કે,  સામાન્ય ચૂંટણી પહેલા, વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024 ના રોજ લાવવામાં આવ્યું હતું અને હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા પછી, નવી સરકારની રચના કરવામાં આવી છે જે સંપૂર્ણ બજેટની જાહેરાત કરશે.


નાણામંત્રી નિર્મલા સીતારમણે ચાર્જ સંભાળ્યો - જુલાઈમાં બજેટ રજૂ કરશે


નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો છે અને તેઓ ઝડપથી નાણાકીય યોજનાઓ અને કામોમાં વ્યસ્ત થઇ ગયા  છે. ગઈકાલે જ સમાચાર આવ્યા કે GST કાઉન્સિલની 53મી બેઠક 22 જૂને યોજાવા જઈ રહી છે, જેની અધ્યક્ષતા નાણામંત્રી કરશે. આ સિવાય ગઈકાલે નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું છે કે જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)માં યોગદાન આપનારા કેન્દ્રીય કર્મચારીઓને પ્રથમ ક્વાર્ટરમાં 7.1 ટકા વ્યાજ મળશે. આ અંતર્ગત નાણાકીય વર્ષ 2023-24માં 1 એપ્રિલથી 30 જૂન વચ્ચેના ફંડ પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવશે.


18મી લોકસભાનું પ્રથમ સત્ર ક્યારે શરૂ થશે?


18મી લોકસભાનું પ્રથમ સંસદ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. સંસદ સત્રના પ્રથમ ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સાંસદો શપથ લેશે અને ગૃહના અધ્યક્ષની પણ પસંદગી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી 3 જુલાઈ સુધી જ્યારે રાજ્યસભાનું પ્રથમ સત્ર 27 જૂનથી 3 જુલાઈ સુધી ચાલશે. જો કે, સમાચાર આવ્યા હતા કે સંસદના પ્રથમ સત્રમાં સામાન્ય બજેટ રજૂ નહીં થાય અને તેના માટે આગામી સત્રની રાહ જોવી પડશે.