જો તમે યુપીઆઇ ટ્રાન્જેક્શન કરો છો તો એક મોટા અપડેટ છે. સરકાર UPI અને RuPay ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર મર્ચન્ટ ફી લગાવવાનું વિચારી રહી છે. હાલમાં જ્યારે પણ ગ્રાહક UPI અથવા RuPay ડેબિટ કાર્ડ દ્વારા ચુકવણી કરે છે ત્યારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. જોકે, હંમેશા એવું નહોતું. 2022 પહેલા વેપારીઓ આ ટ્રાન્જેક્શન પ્રક્રિયા કરવા માટે બેંકોને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નામથી નજીવી ફી ચૂકવતા હતા.

શું આનાથી ગ્રાહકો પર અસર થશે?

જો સરકાર ફરીથી આ ફી લાગુ કરે છે તો તેની સીધી અસર ગ્રાહકો પર નહીં પડે. ચુકવણી માટે ગ્રાહકો પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેન્કોએ આ દિશામાં સરકારને એક પ્રસ્તાવ મોકલ્યો છે અને સંબંધિત વિભાગ તેના પર સકારાત્મક વલણ સાથે વિચાર કરી રહ્યું છે. હાલમાં મોટા વ્યવસાયો માસ્ટરકાર્ડ, વિઝા અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર MDR ચૂકવે છે. બેન્કોનું માનવું છે કે આ ફી UPI અને RuPay કાર્ડ દ્વારા કરવામાં આવતી ચુકવણી પર પણ વસૂલવી જોઈએ.

આ નિયમ 2022 પહેલા હતો

2022 પહેલા વેપારીઓને કુલ વ્યવહાર રકમના એક ટકા કરતા ઓછા MDR તરીકે ચૂકવવા પડતા હતા. આ પછી UPI ચુકવણીનું મુખ્ય માધ્યમ બન્યું અને હવે તેના પર કોઈ ફી લેવામાં આવતી નથી.

ડિજિટલ ટ્રાન્જેક્શનમાં UPIની બે તૃતીયાંશથી વધુ હિસ્સેદારી                             

દેશમાં કુલ ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો ત્રીજા ભાગ કરતાં વધુ છે. RBIના એક રિપોર્ટ મુજબ, 2019માં ડિજિટલ પેમેન્ટમાં UPIનો હિસ્સો 34 ટકા હતો, જે હવે બમણાથી વધુ વધીને 83 ટકા થઈ ગયો છે. એટલે કે દેશમાં 83 ટકા ડિજિટલ ચુકવણી UPI દ્વારા થાય છે. બાકીના 17 ટકામાં NEFT, RTGS, IMPS, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્રાન્જેક્શનનો સમાવેશ થાય છે. જાન્યુઆરી મહિનામાં દેશભરમાં UPI દ્વારા 23.48 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન જોવા મળ્યા હતા. આ અત્યાર સુધીના કોઈપણ મહિનામાં UPI ટ્રાન્જેક્શનનો સૌથી મોટો આંકડો છે.