અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા,સુરત અને રાજકોટમાં નાઈટ કરફ્યું લાદ્યો છે. હાલમાં અમદાવાદ સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રિ કરફયૂ અમલી છે. આ રાત્રિ કરફયૂ 7 ડીસેમ્બર સુધી જાહેર કરાયેલો છે. આજેઆ કરફયૂનો અંતિમ દિવસ છે તેથી ચારેય શહેરોમાં વધુ બે અઠવાડિયાં એટલે કે 21 ડીસેમ્બર સુધી કરફ્યું લંબાઈ શકે છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા રાત્રિ કરફ્યૂ અમલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.રવિવારે ફરી મળેલી બેઠકમાં નાઈટ કરફ્યુ અંગે ચર્ચા કરાઈ હતી. સૂત્રોના મતે, રાજ્યના મહાનગરોમાં આગામી 21 ડિસેમ્બર સુધી રાત્રિ કરફયૂ લંબાઇ શકે છે. આ વખતે  કરફયૂનો સમય રાત્રિના 10થી સવારના 5 વાગ્યા સુધીનો નક્કી કરીને લોકોને બે કલાકની રાહત આપવામાં આવે તેવી શકયતા છે.

અમદાવાદમાં સહિત રાજ્યના ચારેય મહાનગરોમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 કલાક સુધી કરફયૂ જાહેર કરાયેલો છે. અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું તેમાં 7 ડિસેમ્બર સુધી શહેરમાં રાત્રી કરફ્યૂ અમલી રાખવાનો નિર્ણય કરાયો છે. આજે નાઈટ કરફ્યૂનો અંતિમ દિવસ છે ત્યારે સોમવારે કરફ્યૂ અંગે જાહેરનામું બહાર પડી શકે છે.