નર્મદા: સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમના 10 દરવાજા ખોલી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131 મીટરને પાર પહોંચી છે. ડેમના 10 દરવાજા ખોલવામાં આવતા ત્રણ તાલુકાના 21 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતુ થયું છે.


સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું છે. 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે. નર્મદા નદીમા 40,136 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદીનું મુખ્ય વહેણ બંને કાંઠે વહી રહ્યું છે. નર્મદા ડેમની જળ સપાટી 130 મીટરને પાર કરી ગઈ છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 131.01 મીટર પર પહોંચી છે.

પાણીની આવક 85,390 ક્યુસેક થઈ રહી છે જેને કારણે સાંજે 5.30 વાગે નર્મદા ડેમ ના 10 ગેટ ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના ગેટમાંથી હાલ 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. ઓમકારેશ્વર ડેમમાંથી 3 લાખ ક્યુસેક પાણી છોડ્યું છે જે 24 કલાકમાં નર્મદા ડેમમાં આવશે. જેને કારણે હાલ 10 ગેટ ખોલવામાં આવ્યા છે.