ભરૂચની ઝઘડિયા GIDCમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનારા નરાધમ વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. નરાધમ વિજયે 10 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી ક્રૂરતાની તમામ હદ વટાવી હતી. આરોપીએ દુષ્કર્મ કર્યા બાદ બાળકીના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી ઈજા પહોંચાડી હતી. હાલ બાળકી વડોદરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઝારખંડની બાળકી સાથે હેવાનિયનની આ ઘટનાને લઈ ઝારખંડ સરકાર પણ હરકતમાં આવી હતી. હેમંત સોરેન સરકારના મંત્રી દીપિકા પાંડે સિંઘ વડોદરા પહોંચ્યા હતા અને બાળકીના પરિવારજનોને મળ્યા અને 4 લાખની આર્થિક સહાય આપી હતી. તેમનું કહેવું હતું કે, અન્ય રાજ્યમાં સારવારની જરૂર પડી તો બાળકીને એરલિફ્ટ પણ કરીશું.
આ ઘટનાને લઇને દીપિકા પાંડેએ ગુજરાત સરકાર પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું છે કે, ઝારખંડના પ્રવાસી મજૂરો ગુજરાતમાં સુરક્ષિત નથી. એટલું જ નહીં તેમનું તો એવું પણ કહેવું છે કે, જો ઝારખંડના મજૂરો અહીથી જતા રહ્યા તો ગુજરાતના ઉદ્યોગો ઠપ થઈ જશે. તો ઝારખંડ સરકારના મંત્રીના નિવેદનોને મંત્રી ઋષિકેશ પટેલે વખોડ્યા હતા. ઋષિકેશ પટેલે જવાબ આપ્યો હતો કે દીકરીના પરિવારના માનસિક સ્વાસ્થ્ય સાથે કૉંગ્રેસ માત્ર રમત રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના સોમવારે ભરૂચના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં બની હતી. આરોપી પીડિતાના પિતા સાથે જ ફેક્ટરીમાં કામ કરતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાઓ થઈ હતી. પીડિતાને ભરૂચની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, વિજય પાસવાન નામના વ્યક્તિએ બાળકી સાથે દુષ્કર્મ આચર્યુંહતું અને તેના પ્રાઇવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખ્યો હતો.
નાયબ પોલીસ અધિક્ષક કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે આરોપીએ બાળકીનું અપહરણ કર્યું હતું જ્યારે તે તેની ઝૂંપડી પાસે રમી રહી હતી અને તેને ઝાડીઓમાં લઈ ગયો હતો. તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેને લોહીથી લથપથ છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો. પાસવાન પરિણીત છે અને તેના બે બાળકો છે. પોલીસે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.