અમદાવાદ: છેલ્લા સાત દિવસ એટલે તારીખ 19થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે 179 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોનાં સત્તાવાર મોત નોંધાતા હાહાકાર મચી રહ્યો છે. આમ 56 ટકા મોત સુરતના છે. આ સાત દિવસના કોરોનાના આંકડા જોઈએ તો અમદાવાદને પાછળ મુકીને સુરત આગળ છે. સુરતીઓ માટે જ નહીં પરંતુ રાજ્ય સરકાર માટે પણ સુરતના મોતના આંકડા ચોંકાવનારા છે.
સુરતમાં કોરોના રાક્ષસી પંજો કસી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં સમગ્ર ગુજરાતમાં 7236 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે તેમાં માત્ર સુરતમાં જ 27.14 ટકા એટલે 1964 દર્દી નોંધાયા છે. સુરતમાં આ આંકડો સરકારી ચોપડે નોંધાયેલા સત્તાવાર જાહેર કરેલા દર્દીનો છે પરંતુ સીટી સ્કેન કે અન્ય રીતે પોઝિટિવ થઈ ઘરે સારવાર કરતાં અથવા મ્યુનિ. તંત્રએ સેલ્ફ આઈસોલેસન કરેલા દર્દીનો આંકડો હજી ઘણો મોટો હોઈ શકે છે.
મહાનગરપાલિકા અને રાજ્ય સકારનું તંત્ર નિષ્ફળ જવા સાથે સુરતીઓ પણ તકેદારી રાખતા ન હોવાથી સુરતમાં કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. કેસ વધવા કરતાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મોત સુરતમાં થતાં હોવાથી ચિંતામાં વધારો થયો છે. અહીં કોરોનાના મોતનું તાંડવ થઈ રહ્યું છે, તે સરકારી આંકડા જ સાબિત કરે છે. સુરતમાં 19 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે રોજના 14 લોકોનાં સરેરાશ મોત થયા છે, જેમાં 21 જુલાઈએ સૌથી વધુ 21 મોત અને 25 જુલાઈએ સૌથી ઓછા 11 મોત થયા છે.
છેલ્લા સાત દિવસમાં આખા ગુજરાતમાં 179 મોત નોંધાયા છે, જેમાંથી માત્ર સુરતમાં જ 100 મોત એટલે કુલ મોતના 56.17 ટકા મોત નોંધાતા હાહાકાર મચી ગયો છે. આટલા મોત છતાં પણ હજી અનેક સુરતીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના જ ફરી રહ્યાં છે. જો સુરતીઓ તકેદારી નહીં રાખે અને વહિવટી તંત્ર ન જાગે તો કોરોના હજી પણ વધુ ઘાતક થઈ શકે અને મોતનું પ્રમાણ હજી પણ વધી શકે એમ છે.
ગુજરાતના કુલ કેસના 21.87 ટકા દર્દી સુરતના
સુરતમાં 19 માર્ચે વિદેશથી આવેલી યુવતિને કોરોના આવ્યા બાદ 25 જુલાઈ સુધીમાં 11,969 કોરોના કેસ થઈ ગયા છે. આખા ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 25 જુલાઇ સુધીમાં 54,712 હતી તેમાંથી સુરતના 11,969 કેસ એટલે 21.87 ટકા દર્દી માત્ર સુરતમાં જ છે. આ સત્તાવાર આંકડા છે. સીટી સ્કેન અને સેલ્ફ આઈસોલેશન થતાં દર્દીઓની સંખ્યા ગણવામાં આવે તો આ આંક હજી પણ ઘણો વધુ જાહેર થઈ શકે છે.
ગુજરાતના કુલ મોત 2305, સુરતમાં 532 મોત
શનિવારે સાંજ સુધીમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 54712 અને 2305 મોત નોંધાયા છે. સુરતમાં અત્યાર સુધીમાં 532 લોકોની જીંદગી કોરોનામાં હોમાઈ ગઈ છે. જે ગુજરાતના અત્યાર સુધીના મૃત્યુ આંકમાં 23.08 ટકા છે. સુરતમાં મૃત્યુ દરમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી તંત્ર અને સુરતીઓની ચિંતામાં વધારો થઈ રહ્યો છે.
કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે થતાં અંતિમ સંસ્કારનો આંકડો ઘણો મોટો
ગુજરાતમાં સૌથી પહેલું કોરોનાથી મોત 22માર્ચના રોજ સુરતમાં હીરાના વેપારીનું થયું હતું. ત્યારથી તા.25 જુલાઇ સુધીમાં સુરતમાં કોરોનાથી 532 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ તો કોરોના પોઝિટિવથી જીવ ગુમાવનારાઓની સત્તાવાર યાદી સરકારી તંત્રએ જાહેર કરી છે તે છે,પરંતુ અત્યાર સુધીમાં કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે આંકડો સરકાર હજી પણ જાહેર કરતી નથી. સુરતમાં સત્તાવાર આંક સાથે મ્યુનિ. તંત્ર કોવિડની ગાઈડ લાઈન પ્રમાણે કેટલા દર્દીના અંતિમ સંસ્કાર કરે તે આંક જાહેર કરે તો તે આંક ઘણો જ મોટો બહાર આવી શકે છે.
ગુજરાતના આ શહેરમાં માત્ર 7 જ દિવસમાં કોરોનાના કેટલા દર્દીઓનાં થયા મોત? આંકડો જાણી ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2020 09:20 AM (IST)
છેલ્લા સાત દિવસ એટલે તારીખ 19થી 25 જુલાઈ વચ્ચે સમગ્ર ગુજરાતમાં કોરોનાના કારણે 179 લોકોનાં મોત નિપજ્યાં છે જેમાંથી માત્ર સુરત શહેરમાં જ 100 લોકોનાં સત્તાવાર મોત નોંધાતા હાહાકાર મચી ગયો
- - - - - - - - - Advertisement - - - - - - - - -