રાજ્યના 42 તાલુકાઓમાં વરસાદ, વડિયામાં ભારે વરસાદના કારણે હોસ્પિટલમાં ભરાયા પાણી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 Jul 2020 08:55 PM (IST)
રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 42 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગાંધીનગર: રાજ્યમાં સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં 42 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં સૌથી વધુ 2.83 ઈંચ વરસાદ નોંધાયો છે. અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદના કારણે બજાર, મુખ્ય રસ્તાઓ, હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાયા હતા. રાજકોટ, પોરબંદર, દ્વારકા અને વલસાડમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્ર પર અનુકૂળ પરિસ્થિતિ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાજકોટના ગોંડલમા સતત બીજા દિવસે મેઘરાજાની મહેર યથાવત રહી છે. રવિવારે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. ગોંડલ તથા આસપાસના પણ કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.