ગાંધીનગર: રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206  જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.


આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 8 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.


આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં સાવત્રિક વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 1.86 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.7 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઉકાઈમાં 6 હજાર ક્યુસેક પાણીની આવક સામે 46 હજારની જાવક, વણાકબોરી જળાશયમાં 26 હજાર ક્યુસેક પાણીની આવક સામે 26 હજારની જાવક, કડાણામાં 21 હજાર ક્યુસેક પાણીની આવક સામે 20 હજારની જાવક તેમજ ભાદર-2માં 16 હજાર ક્યુસેક પાણીની આવક સામે 16 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે.


આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 9 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141માં 81  ટકા, દક્ષિણ ગુજરાતના 13માં 77 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 48 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 80 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.


મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા 


ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 એમ.એમ. જ નોંધાયો છે.


આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ 68 તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 10  કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 31મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકાએ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


Rain Forecast:સપ્ટેમ્બરમાં આ જિલ્લામાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલ કરી આગાહી