વલસાડઃ શહેરના એક સ્કૂલમાં ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીએ એક તરફી પ્રેમમાં વિદ્યાર્થિનીની હત્યાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. વિદ્યાર્થિની બોટલમાં ઉંદર મારવાની દવા નાંખી દેતા વિદ્યાર્થિની હાલત લથળી હતી. હાલ, વિદ્યાર્થિની સારવાર હેઠળ છે. એક તરફી પ્રેમમાં પાગલ સગીર વિદ્યાર્થિનીને વારંવાર પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. જોકે, વિદ્યાર્થિનીએ ઇનકાર કરતાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેવાની ચિમકી પણ આપી હતી. આમ છતાં વિદ્યાર્થિની તાબે ન થતાં વિદ્યાર્થીએ આ પગલું ભર્યું હતું.


મળતી વિગતો પ્રમાણે ગત સોમવારે વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીની પાણીની બોટલમાં ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી દીધી હતી. વિદ્યાર્થિનીએ પાણી પીતા તેની તબિયત લથડી હતી. આ અંગે વિદ્યાર્થિનીએ આચાર્યને ફરિયાદ પણ કરી હતી, આ ફરિયાદને આધારે CCTV ચેક કરતા તેમાં વિદ્યાર્થી બોટલમાં કંઈક ભેળવતો હોવાનું દેખાયું હતું. વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધી પોલીસે વિદ્યાર્થીની પૂછપરછ હાથ ધરી હતી.