Morbi News: જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને વધુને વધુ સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આગામી બે વર્ષમાં નવા ૧૨ ચેકડેમનું નિર્માણ કરાશે. વિધાનસભા ખાતે મોરબી જિલ્લાના નવા ચેકડેમના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પટેલે ઉમેર્યું છે કે, રાજ્યમાં જળ સંચય થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ચેકડેમો બાંધવાનું આયોજન કરીને અભિયાન હાથ ધરાયું છે. જેના પરિણામે આજે રાજ્યમાં બે લાખથી વધુ ચેકડેમોનું નિર્માણ કરાયું છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૧૨ ચેકડેમો બનાવાશે જેના પરિણામે અંદાજે ૯૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
ગુજરાત સરકાર એક પછી એક ડેવલપમેન્ટ વર્ક કરી રહી છે, અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે સરકારે પોતાના નેક્સ્ટ વિઝન પર માહિતી આપી છે. આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારતમાં ૫૦૦ ગીગા વોટ રિન્યુએબલ ઊર્જા ક્ષમતાના લક્ષ્યાંક સામે ગુજરાતનો ૧૦૦ ગીગા વોટ્સ વીજ ક્ષમતા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, આ તમામ માહિતી રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ આપી હતી. ખાસ વાત છે કે, ગુજરાતમાં બિન ઉપયોગી પડતર જમીનો પર સોલર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરી વીજ ઉત્પાદન કરવાનો નવતર અભિગમ છે. આ માટે સાયલા ખાતે પડતર જમીન પર સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
સબ સ્ટેશનની બાજુમાં પડતર જમીનમાં સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાની યોજના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ વર્ષ ૨૦૩૦ સુધીમાં ૫૦૦ ગીગા વોટ રિન્યુએબલ ઊર્જા ક્ષમતાનો ભારતે લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે આ લક્ષ્યાંકમાં ગુજરાતનો ૧૦૦ ગીગા વોટ્સ વીજ ક્ષમતા ફાળો થાય તે દિશામાં ટીમ ગુજરાત કામગીરી કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં બિન ઉપયોગી પડતર જમીનો પર સોલર પ્રોજેક્ટ કાર્યાન્વિત કરી વીજ ઉત્પાદન કરવાનો નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. એટલું જ નહિ, ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં ગુજરાત પ્રથમ રાજ્ય છે.
મંત્રીએ ઉમેર્યું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ સુરેન્દ્રનગર જિલ્લામાં પડતર જમીન પર ખાંડિયા ખાતે ૩૫ મેગાવોટની સ્થાપિત ક્ષમતાનો સોલાર પ્રોજેક્ટ કાર્યાન્વિત છે. એટલું જ નહિ, સાયલા ખાતે આ જ યોજના હેઠળ અન્ય એક સોલાર પ્રોજેક્ટ સ્થાપિત કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.