ગાંધીનગર:  ગુજરાત કોંગ્રેસના નવ  પ્રમુખ જગદીશ ઠાકોરને બનાવાયા છે. જગદીશ ઠાકોરની ભવ્ય રીતે તાજપોશીનો કાર્યક્રમ  ગાંધીનગરમાં યોજાયો છે. આ દરમિયાન ધારાસભ્ય દળની બેઠક મળી હતી. જેમાં કૉંગ્રેસના ધારાસભ્યોની બેઠકમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યોની ઓછી હાજરીએ બધાનું ધ્યાન કેંદ્રીત કર્યું છે.   સૌરાષ્ટ્રમાંથી નેતાઓને મહત્વ ન મળતા ઓછી હાજરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.  અન્ય વિસ્તારના મોટાભાગના ધારાસભ્યો હાજર રહ્યા હતા.  


સૌરાષ્ટ્રના ધારાસભ્યોની ઓછી હાજરી ચર્ચાનો વિષય બની છે. કૉંગ્રેસના જે ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા છે તેમાં   પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, કનુ બારૈયા, લલિત વસોયા, અશ્વિન કોટવાલ, વિમલ ચુડાસમા, ભગાભાઇ બારડ, બાબુભાઇ વાજા, ભીખાભાઇ જોષી, વિરજીભાઈ ઠુમ્મર,  સંતોક બેન એરઠીયા,  નૌશાદ સોલંકી,  પ્રવિણ મુછડીયા, ચિરાગ કાલરીયા, હર્ષદ રીબડીયા, અનંત પટેલ,  રાજેન્દ્રસિંહ પરમાર, ચંદ્રિકાબેન બારીયા અને પુનમ પરમાર ગેર હાજર રહ્યા હતા. ઘણા ધારાસભ્યો પોતાના સામાજિક પ્રસંગોને લઈ આ બેઠકમાં હાજર રહી શક્યા નથી.


દિલ્હીથી  અમદાવાદ એરપોર્ટ પર પહોચેલા ગુજરાત કૉંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. 


જગદીશ ઠાકોર પૂર્વ સાંસદ અને ઠાકોર નેતા છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે.  ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન એવા  પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે . દેહગામ વિધાનસભા બેઠક પરથી 2002 અને 2007 એમ સળંગ બે વાર જીતેલા ઠાકોર  2002થી 2007 અને 2007 થી 2009 સુધી ધારાસભ્ય રહ્યા હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પરથી ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આમ જગદીશ ઠાકોર  2009થી 2014 સુધી કોંગ્રેસમાંથી પાટણ લોકસભા બેઠકના સાંસદ રહી ચૂક્યા છે.



ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની અત્યંત નજીક મનાતા જગદીશ ઠાકોર ઉત્તર ગુજરાતમાં સારું વર્ચસ્વ ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે, જગદીશ ઠાકોરે 2016માં કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ઠાકોરે એ વખતે એલાન કરેલું કે, હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર તરીકે જ કામ કરશે.  ઠાકોરની આ જાહેરાતે ખળભળાટ મચાવ્યો હતો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું પણ પાંચ વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મેળવીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી છે.