ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: પાદરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર દિનુમામાએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. જોકે તેમના રાજીનામાં બાદ ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે. પાદરા તાલુકા પંચાયતના ભાજપમાં ચૂંટાયેલા 16 સભ્યોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે.
દિનુમામાના સમર્થનમાં આપ્યા રાજીનામાં
ભાજપમાંથી દિનુમામા બાદ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા ઉપપ્રમુખ ઉષાબેન ચૌહાણ તથા કારોબારી ચેરમેન હરેશ પટેલ સહિત ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન પરમાર સહિત દંડક પ્રદીપભાઈ જાદવ સહિત કુલ 15 સભ્યો ભાજપના અને 1 અપક્ષના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદશ્ય સહિત કુલ 16 ચૂંટાયેલા સદશ્યોએ રાજીનામા આપી દેતા રાજકારણ ગરમાયું છે. ભાજપે મામાની ટિકિટ કાપતા નારાજ તાલુકા પંચાયતના સદશ્યએ રાજીનામાં આપી દીધા છે. હજુ પણ અનેક હોદેદારો દિનુમામાના સમર્થનમાં રાજીનામાં આપી શકે છે.
‘બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી’, નીતિન પટેલ
મહેસાણાઃ મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યુ હતું કે બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી. હવે સડસડાટ આગળ વધશે વિકાસ યાત્રા...'મહેસાણા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નીતિન પટેલ પહોંચ્યા હતા. સભામાં નીતિન પટેલે દાવો કર્યો હતો કે મે જ મુકેશ પટેલની પસંદગી કરી છે. બીજી ચાર-પાંચ બેઠકો પર મારી જ પસંદગીના ઉમેદવાર મુકવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં PM મોદીની જાહેરસભા, ભાજપનો દાવો- 1 લાખ લોકો આવે તેવી વ્યવસ્થા કરાઈ
આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતમાં પીએમ મોદી ઝંઝાવાતી પ્રચાર કરશે. વલસાડના ઝુજવા ગામે પીએમ મોદીની જાહેરસભા યોજાશે. આ સભાને લઈને ભાજપના નેતાઓથી લઈને પ્રશાસન તડામાર તૈયારીમાં લાગ્યું છે. જિલ્લા ભાજપનો દાવો છે કે, PM મોદીની સભા એક લાખ લોકો આવે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ સભાની સાથે પીએમ મોદી રોડ શૉ પણ યોજવાના છે. દક્ષિણ ગુજરાત બાદ બીજા દિવસે પીએમ મોદી સૌરાષ્ટ્રમાં પ્રચાર કરશે. 2 દિવસમાં સૌરાષ્ટ્રમાં પીએમ મોદીની ચાર સભા યોજાશે. 20મી તારીખે ધોરાજીમાં યોજાનાર સભાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે. સવા લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતા વાળો વિશાળ ડોમ બનાવાઈ રહ્યો છે.
શિવરાજ સિંહ ચૌહાણે કચ્છમાં સભા ગજવી, કોંગ્રેસ- આપ પર સાધ્યું નિશાન
બીજેપીએ કચ્છ જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. કચ્છમાં આયોજિત એક જાહેરસભામાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે, આજે તમે કચ્છની પાઘડી પહેરીને મારું સ્વાગત કર્યું છે. આપણા દેશમાં પાઘડીથી મોટું કોઈ સન્માન નથી. હું તમને વચન આપું છુ કે તમારું ગુજરાતનું ગૌરવ અને ગૌરવ વધારવા માટે મારાથી જે પણ યોગદાન થઈ શકે તે આપીશ. અહીંનું દાડમ, અહીંનું ડ્રેગન ફ્રૂટ પ્રખ્યાત છે. કચ્છના લોકો જ્યાં જાય છે ત્યાં પ્રભુત્વ ધરાવે છે.