COVID-19 In Gujarat: રાજ્યમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા 167 કેસ નોંધાયા હતા. હવે કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંક 600ને પાર થયો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 615 છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવા પડતા દર્દીઓની સંખ્યા વધીને 15 થઈ છે. જ્યારે 600 દર્દીઓ ઘરમાં જ રહીને સારવાર લઈ રહ્યા છે. તો તરફ રાજકોટમાં પણ કોરોનાના એક્ટિવ કેસનો આંક 43 પર પહોંચ્યો છે. ગુરુવારે રાજકોટમાં નાથદ્વારાથી આવેલા વૃદ્ધ સહિત સાત લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તો ગોંડલમાં પણ કોરોનાના બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી ચિંતા વધારી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા હતા. જ્યારે સોલા સિવિલમાં પાંચ ડોક્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સોલા સિવિલમાં સ્કીન વિભાગના 4 અને ગાયનેક વિભાગના 1 મળી પાંચ ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલ તમામ હોમ આઈસોલેશનમાં છે. અમદાવાદ પશ્ચિમ ઝોનમાં હાલ 107 એક્ટિવ કેસ છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 94, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 55, દક્ષિણ ઝોનમાં 26, પૂર્વ ઝોનમાં 19, ઉત્તર ઝોનમાં 13 અને મધ્ય ઝોનમાં 6 કેસ નોંધાયા છે.
વડોદરા શહેરમાં કોરોનાના છ કેસ નોંધાયા હતા. ભાયલી, છાણી, દિવાળીપુરા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરાના રામદેવનગરમાં પણ કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરામાં કોરોનાના છ કેસ નોંધાતા મનપાની ચિંતા વધી હતી.
દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો
છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. દેશમાં કોરોનાના કેસ 4302થી વધીને 4866 થયા છે. આ સમય દરમિયાન આ જીવલેણ વાયરસને કારણે સાત લોકોના મોત થયા છે.
રાજધાની દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 105 કેસ વધ્યા છે. આ પછી અહીં કોરોનાના કેસોની સંખ્યા વધીને 562 થઈ ગઈ છે અને બે લોકોના મોત થયા છે. મૃતકોમાં પાંચ મહિનાનો બાળક અને 87 વર્ષનો એક વૃદ્ધનો સમાવેશ થાય છે.
કર્ણાટકમાં કોરોનાથી બે અને મહારાષ્ટ્રમાં ત્રણ દર્દીઓના મોત થયા છે. અન્ય રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 508 થઈ ગઈ છે. કર્ણાટકમાં 436, કેરળમાં 1487, મહારાષ્ટ્રમાં 526 અને પશ્ચિમ બંગાળમાં 538 પર પહોંચી ગઈ છે.