અમદાવાદ: રાજયમાં આગામી 28મી તારીખે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપના તાલુકા-જિલ્લા પંચાયતમાં 18 ઉમેદવાર બિનહરિફ થયા હોવાનો ભાજપે દાવો કર્યો છે.


આંતરિક અસંતોષને ડામવા માટે કૉંગ્રેસે અંતિમ ઘડી સુધી યાદી બહાર પાડવાનું ટાળ્યું અને ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કેટલીક જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અંતિમ કલાકોમાં ફોર્મ ભરવાને લઈ કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં થયેલી આંતરિક ખેંચતાણનો સીધો ફાયદો ભાજપને થયો છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠક અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે. જ્યારે સુરતના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત, ચોર્યાસી તાલુકા પંચાયતની હજીરા, અમદાવાદ દસક્રોઈ તાલુકા પંચાયતની ભુવાલડી અને ખોડીયાર બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે.

આ સિવાય જૂનાગઢ તાલુકા પંચાયતની બીલખા બેઠક, ભાવનગરની ઉમરાળા તાલુકા પંચાયતની લંગાળા અને રંગોળા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરિફ વિજેતા થયા છે.

કૉંગ્રેસને સૌથી મોટો ઝટકો સુરેન્દ્રનગર જિલ્લામાં લાગ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની ચાર તાલુકા પંચાયતની 9 બેઠકો પર ભાજપના ઉમેદવાર બિનહરિફ થયા છે.