ગાંધીનગર: તૌક્તે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં નાળિયેરી-કેરી-આંબા સહિતના બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડ પૂન: સ્થાપિત કરવાનું ટેક્નિકલ માર્ગદર્શન  ખેડૂતોને પુરૂં પાડવા રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 190 કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં જશે.   રાજ્યમાં આવા બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પૂન: સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ અપનાવવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પ્રેરિત કર્યો છે. 


મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરીના આંબાને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.


મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ પ્રેરક દિશાસૂચન અનુસાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના 190 જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવી છે.


તદઅનુસાર, અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૪૮, ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ૪૩, ગીર-સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૭૮ તેમજ સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ર૪ એમ કુલ ૧૯૩ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં તત્કાલ પહોચી જશે. 


આ વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના સર્વે સાથે નાળિયેરી આંબા, કેળ, દાડમ અને લીંબુના ઝાડ-છોડના પૂન: વાવેતર-રિસ્ટોરેશન માટે આ કૃષિ વૈજ્ઞાનિકો તાંત્રિક માર્ગદર્શન ધરતીપુત્રોને આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં આ નવતર પ્રયોગની સફળતા આવનારા દિવસોમાં દેશમાં બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડના વૈજ્ઞાનિક ઢબે પૂન: સ્થાપન માટે પ્રેરણારૂપ બનશે. 


કોર કમિટીની આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીમાં ખેતી-બાગાયતી પાકોના નુકશાનીના અંદાજો મેળવવાની પ્રક્રિયા સંદર્ભે પણ વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. 


બેઠકમાં આ અંગેની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યું કે, તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) થી અતિ પ્રભાવિત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ એમ પાંચ જિલ્લાના ૪૧ તાલુકાઓના રર૬૩ ગામોમાં ખેતી-બાગાયતી પાકોની નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મયોગીઓની ૩૩૯ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે.