બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં ફરી એક વખત ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. થરાદ-સાંચોર હાઇવે પર એક્ટિવા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. દૂધવા નજીક અકસ્માતમાં એક્ટિવા પર સવાર 3 યુવતીઓમાંથી 2ના મોત થયા છે જ્યારે અન્ય એક યુવતી ઇજાગ્રસ્ત થઈ છે. અકસ્માતની ઘટનાને લઈ સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા છે.
આ ઘટનામા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે ખસેડાઈ છે. જ્યારે 2 મૃતક યુવતીઓના મૃતદેહને પીએમ માટે થરાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અકસ્માતની ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક અકસ્માત
બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠામાં ધાનેરા-થરાદ હાઈવે પર કાર પલટી જતા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત
સુરતમાં અકસ્માતના કારણે વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે. સુરતમાં સીટી બસે ટક્કર મારતા 18 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્રણ મિત્રો બાઈક પર સવાર હતા. આ દરમિયાન ટ્રાફિક પોલીસને જોઈ BRTS રૂટ પર બાઈક નાખી ભાગવા ગયા હતા. ત્યારે જ પાછળથી પુરઝડપે આવી રહેલ સીટી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. બાદમાં સીટી બસ ચાલક રસ્તા વચ્ચે બસ મૂકી ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં 18 વર્ષીય ફરીદ શેખને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યાર બાદ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ છે. અકસ્માત બાદ વેસુ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સીટી બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.