Valsad: વરસાદ બાદ રાજ્યમાં ડેન્ગ્યુનો ડંખ લોકોને ડરાવી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ ગઈ કાલે જ સુરતમાં એક મહિલા તબીબનું ડેન્ગ્યુના કારણે અવસાન થયું છે અને હવે સમાચાર સામે આવ્યા છે કે વલસાડમાં પણ ડેન્ગ્યુએ બે લોકોનો ભોગ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડમાં બે દિવસમાં બે લોકોના ડેન્ગ્યુના કારણે મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જે બે વ્યક્તિના જીક ડેન્ગ્યુના કારણે ગયા છે તેમા એક મહિલા છે અને એક પુરુષ છે. 29 વર્ષીય કમલેશ પાંડેનું ડેન્ગ્યુના કારણે મોત થયું છે જ્યારે એક 23 વર્ષીય યુવતીનું પણ ડેન્ગ્યુના કારણે મોત થયું છે. સારવાર દરમિયાન પ્લેટલેટ ઘટી જતા અને મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે મોત થયું છે.
હાલ જિલ્લામાં ડેન્ગ્યુના 28 કેસ પોઝિટિવ છે. 07 મલેરિયાના કેસ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જગ્યા પર સર્વેન્સની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત ચીંકનગુનિયાનો પણ 1 કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગની કુલ 603 ટીમ કાર્યરત છે. વલસાડ જિલ્લામાં કુલ 10,274 બ્રિડિંગ સ્થળ મળી આવ્યા છે. જે મામલે 469 લોકોને નોટીસ પણ ઇસ્યુ કરવામાં આવી છે. હાલ વધતા રોગચાળા અને ડેન્ગ્યુના કારણે મોત થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત
સુરત પાલિકા સંચાલિત સ્મીમેરના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યુના કારણે મોત થતા ચકચાર મચી જવા પામી છે. મૃતક મહિલા ડોક્ટરનું નામ ધારા ચાવડા હતું. આ અંગે સ્મીમેર હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. જીતેન્દ્ર દર્શને એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ડો.ધારા ચાવડાને ડેન્ગ્યુ થયો હતો. ડેન્ગ્યુના કારણે સૌ પ્રથમ સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. જ્યાં હોસ્ટેલમાં રહી તેણી સારવાર લઇ રહી હતી. જે બાદ વધુ સારવાર અર્થે પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ડેન્ગ્યુના કારણે મહિલા રેસિડેન્ટ તબીબને લીવર,મગજ અને હાર્ટ પર વધુ ગંભીર અસર થઈ હતી. ખાનગી હોસ્પિટલમાં મહિલા તબીબનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
ઘટનાને લઈ સ્મીમેર સાફ સફાઈની કામગીરી સઘન કરવામાં આવી છે. હોસ્ટેલ સહિતના સ્થળોનો રાઉન્ડ લેવામાં આવ્યો છે. આસપાસ કન્સ્ટ્રકશન સાઇટ હોવાથી વાહક જાળા અને મચ્છર જન્ય રોગોની શકયતા છે. જેથી સ્મીમેર હોસ્પિટલ અને કેમ્પસમાં દવા છંટકાવ સહિત સાફસફાઈની કામગીરી કરાઈ છે.
આ પણ વાંચો...