Banaskantha બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાં રીંછના હુમલા ચિંતાજનક હદે વધી રહ્યા છે. છેલ્લા 3 દિવસમાં 2 લોકો પર રીંછ દ્વારા હુમલો કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.


બનાસકાંઠામાં પાણીની અછત અને વન્યપ્રાણીઓના ખોરાકને લઈ ચિંતાજનક સ્થિતિ છે. વન્ય પ્રાણીઓ રાત્રી દરમિયાન ખોરાક અને પાણીની શોધમાં જંગલ વિસ્તાર છોડી બહાર આવે છે.અમીરગઢ તાલુકાના જેસોર રીંછ અભયારણ્યમાં રીંછના હુમલાની ઘટના બનતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.


અભયારણ્ય વિસ્તારમાં આવેલા ઇસવાણી માતાજીના મંદિરમાં પૂજારી તરીકે સેવા આપતા ભુતાભાઈ પરમાર પર રાત્રીના સમય રીંછે હુમલો કર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પૂજારીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


તો બીજી એક ઘટનામાં વેરા ગામમાં ખેતરમાં પાકની રખેવાળી કરવા ગયેલા દેવાભાઈ ગરાસિયા પર રીંછએ હુમલો કરતા તેઓને પણ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓની હાલત નાજુક જણાતા તેઓને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓનું ઓપરેશન કરી સમયસર સારવાર મળતા તેઓનો બચાવ થયો હતો.


મે-જૂન માસમાં ગરમી સાથે પાણીની તંગી વર્તાતી હોવાથી પાણીની શોધમાં ફરતા વન્ય જીવો માનવ વસાહતમાં આવી જતા હોય છે. જેથી  લોકો પર વન્ય જીવોના હુમલા વધ્યા છે.   ખેતરમાં રાત્રી દરમિયાન સૂઇ રહેલા ખેડૂત પર રીંછના હુમલાની ગંભીર ઘટના બની છે જ્યારે ઇસવાણીના મંદિરમાં પૂજારી ઉપર હૂમલો કરી અને પૂજારીને ઘાયલ કર્યા હતા. 


માનવો પર હુમલાના બનાવો ચિંતાજનક બાબત છે વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી અને હુમલાની ઘટના એ અમીરગઢ પંથકમાં ફફડાટ ફેલાવી દીધો છે.