અમરેલી: મોત સામે ઝઝૂમતો માસૂમ આખરે જિંદગીની જંગ હારી ગયો. અમરેલીના રાજુલા તાલુકાના કાતર ગામે  ગઈકાલે રાત્રે માલધારી પરિવાર પોતાના ઘરમાં હતો.  અચાનક વીજળી ગુલ થતાં ગરમીના કારણે બહાર ફળિયામાં બેઠો હતો. ત્યાં તો ઝાડીમાંથી દીપડો   આવ્યો અને 2 વર્ષીય માનવને ગળું પકડી ઉઠાવી ગયો હતો.  માનવને બચાવવા તેનો પરિવાર દીપડાની પાછળ દોડ્યો હતો.  દીપડો તેને મૂકી ભાગી ગયો હતો. તાત્કાલિક  તેને પહેલાં તો રાજુલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.  પરંતુ સ્થિતિ ગંભીર હોવાથી તેને મહુવાની હોસ્પિટલમાં રીફર કરાયો હતો.  જો કે એકના એક લાડકવાયાને બચાવી ન શકાયો. ગળાના ભાગે ગંભીર ઈજા હોવાથી માનવનું મોત થયું હતું. જેના કારણે માલધારી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 


ઘટનાની જાણ થતાં જ વનવિભાગની ટીમ દોડી આવી અને દીપડાને પકડવા અહીં પાંજરા મુક્યા છે. દીપડાને પકડવા રાજુલા, જાફરાબાદના વન કર્મીઓએ આજે દિવસભર મેગા ઑપરેશન પણ ચલાવ્યું હતું. અમરેલી જિલ્લામાં દીપડાના આતંકને લઈ લોકો પરેશાન છે.આ સાથે જ રોષ પણ છે. એક અઠવાડિયામાં દીપડાના કારણે 2 બાળકોના અને સિંહના કારણે એક બાળકનું મોત થયું છે.


સાવરકુંડલાના કરજાળા ગામે એક દીપડો 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો.  બાદમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. લીલીયાના ખારા ગામે 5 મહિનાના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. બાદમાં બાળકના માત્ર અવશેષ મળ્યા હતા.


અમરેલીમાં  વન્યપ્રાણી દ્વારા બાળક ઉપર હુમલાની ત્રીજી ઘટનામાં બાળકનું મોત થયું છે. જેમાં રાજુલાના કાતર ગામમાં મોડી રાતે રહેણાંક મકાનમાં બાળક ઉપર દીપડાએ  હુમલો કર્યો હતો. જેમાં માલધારી પરિવારના 2 વર્ષના બાળકનું ગળુ પકડી દીપડો ઉઠાવી ગયો હતો. તેમજ પરિવારના લોકો પાછળ દોડતા બાળકને મૂકી દીપડો ભાગ્યો હતો. જેથી બાળક ગંભીર ઈજા થતાં રાજુલાથી મહુવા હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કર્યો હતો. જો કે મહુવા પહોંચે તે પહેલા બાળકને ગળાના ભાગે ગંભીર ઇજા હોવાને કારણે મોત નિપજ્યું હતું.


હિંસક પ્રાણીઓ દ્વારા અવારનવાર માણસ પર હુમલા કરવામાં આવતા હોવાની ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ ઊભો કરી દીધો છે.  રાજુલા વન વિભાગની કામગીરી પર આ કારણે લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. કારણ કે ચાર દિવસ પહેલા જ સિંહ અને દીપડાના હુમલામાં બે બાળકોનું મોત નિપજ્યું હતું.