માં તે માં બીજા વગડાના વા આ ગુજરાતી કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ . પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાં આપણે આપણી સંસ્કૃતિને ધીમે-ધીમે વિસરી રહ્યા છીએ. જો કે પશ્ચિમિ સંસ્કૃતિને પગલે આજે 14 મેના દિવસને માતૃત્વ દિવસ તરીકે ઉજવવાનું આપણે શરુ કર્યુ છે. માતા અને પુત્રના સંબંધના અનેક પ્રસંગો આપણે આપણા વડિલો પાસેથી સાંભળ્યા અને વાંચ્યા હશે. ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં પણ માતા પુત્રના અનેક પ્રસંગો ઉપલબ્ધ છે. હાલના સમયની વાત કરીએ તો આ નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા માટે લોક સાહિત્યકારોનો ફાળો પણ ઓછો નથી. માં અને દિકરાના અનેક પ્રસંગો પોતાના લોક સાહિત્યના કાર્યક્મો અને ડાયરામાં તેનુ વર્ણન કરવામાં આવતું હોય છે. કિર્તીદાન ગઢવી,બ્રિજરાજ ગઢવી હોય કે પછી સાંઈરામ દવે જેવા અનેક કલાકારો નવી પેઢીને વિદેશી સંસ્કૃતિ કરતા ભારતીય પરંપરાને જાળવી રાખવા માટે પોતાના આગવા અંદાજમાં હંમેશા ટકોર કરતા રહે છે.
માતૃત્વ દિવસની આજે ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે આ વર્ષનો માતૃત્વ દિવસ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટે ખાસ છે. માતા હિરાબાના 30 ડિસેમ્બરના નિધન બાદ આ પ્રથમ માતૃત્વ દિવસ છે જેમાં તેઓ માતા હિરાબાને માત્ર યાદો દ્રારા યાદ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માતા હિરાબાના 100 વર્ષ નિમિતે લખેલા પોતાના યાદગાર બ્લોગમાં માતા હિરાબાના સંઘર્ષના દિવસોને યાદ પણ કર્યા હતા.
વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ લખેલા પોતાના બ્લોગમાં માતા હિરાબાનું જીવન ખુબ જ સરળ હોવાનુ તેઓ જણાવે છે. સ્વસ્થ જીવનનું રહસ્ય વહેલું સૂવું અને વહેલા ઉઠીને ભજન અને પૂજા કરવી એ તેમના રોજિંદા કાર્યોમાં સામેલ હતું. સાદું જીવન, સાદું ભોજન અને હકારાત્મક વિચારો તેમને શતાયુ સુધી પહોંચાડયા હોવાનું જણાવ્યુ છે. 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતાના નામે તેમના બ્લોગમાં લખ્યું - મારી માતાને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા રહી, પરંતુ તે અંધશ્રદ્ધાથી દૂર રહ્યાં અને અમને પણ તે જ ગુણો શીખવ્યા. જ્યારે અમારા પિતા સવારે 4 વાગે કામ પર જતા હતા ત્યારે માતા સવારમાં જ ઘણા કામ આટોપી લેતા. અનાજ દળવાથી માંડીને ચોખા અને કઠોળની સાફ સફાઈ સુધીના કામ જાતે જ કરવા પડતા. માતા જોડે કોઈ સહારો નહોતો. આ બધું તે એકલા જ કરતા હતા.
હિરાબાના લગ્ન દામોદરદાસ મુલચંદ મોદી સાથે થયા હતા. હિરાબા અને દામોદરદાસને 6 બાળકો હતા. નરેંદ્રભાઈ મોદી ત્રીજા નંબરના સંતાન છે. ખૂબ ઓછા લોકોને ખબર હશે કે માતા હિરાબા ઉપરાંત નરેન્દ્રભાઈ મોદીના જીવનમાં તેમના મોટાભાઈ સોમભાઈ મોદીનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. સોમભાઈનો સંધર્ષ પણ ઓછો નથી. ખુબજ સાલસ અને સરળ સ્વભાવના સોમભાઈ મોદી આજે નિવૃત જીવન સાથે વતન વડનગરમાં વૃધ્ધાશ્રમ ચલાવી વૃધ્ધોની સેવા કરી સાદગીભર્યુ જીવન પસાર કરી રહ્યા છે.
નરેંદ્ર ભાઈ દેશના વડાપ્રધાન બન્યા પહેલા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પોતાના જન્મદિવસ પર માતા હિરાબાના આશીર્વાદ લેવા અચૂક જતા અને આ પરંપરા તેમણે વડાપ્રધાન બન્યા બાદ પણ જાળવી રાખી હતી. મા હિરાબા દિકરા નરેન્દ્રને આશીર્વાદ લેવા આવે ત્યારે અચૂક તેમને ભાવતી લાપસીથી મો મીઠુ કરાવતા. પુત્ર રવાના થાય ત્યારે તેને રામાયણ આપે. વડાપ્રધાન બન્યા પછી નરેંદ્રભાઈ માતા હિરાબાને દિલ્હી સ્થિત પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ થોડા દિવસો માટે લાવ્યા હતા. આ દરમિયાન માતા હિરાબાને વ્હીલચેરમાં ફેરવતા હોય તેવી તસ્વીર પણ ખૂબ જ વાયરલ થઈ હતી.લોકશાહીના હિમાયતી હિરાબાએ નિધન પહેલા ડિસેમ્બર 2022 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લી વખત મતદાન કરીને લોકશાહીના પર્વની ફરજ પણ નિભાવી હતી.
નરેંદ્રભાઈ ભૂતકાળમાં અનેક વખત માતા હીરાબાના સંઘર્ષનો ભાવનાત્મક ઉલ્લેખ કરી ચૂકયા છે. વર્ષ 2015માં ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ સાથેની મુલાકાત દરમિયાન નરેન્દ્ભાઈએ તેમના માતાના સંઘર્ષને યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મારા પિતાના નિધન બાદ, માતા આજીવિકા માટે અન્યના ઘરોમાં વાસણ સાફ કરવા તેમજ અનેક ઘરે પાણી ભરવા જતા અને અમારા ઘરનું ગુજરાન ચલાવ્યું હતું. આ વાતચીત દરમિયાન તેઓ ખૂબ જ ભાવુક થઈને રડી પડ્યા હતા.
દેશ અને દુનિયાના પ્રવાસો દરમ્યાન તેઓ અનેક કાર્યક્રમોમાં માતા હિરાબાનો ઉલ્લેખ કરી ચૂકયા છે. હિરાબાનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના પાલનપુર, વિસનગરમાં થયો હતો. તે વડનગરથી એકદમ નજીક છે. હિરાબા એક અસાધારણ સ્ત્રી હતા. તેમની માતાનુ સ્પેનિશ ફ્લૂના રોગથી નાની ઉંમરે નિધન થયું હતું. હિરાબાને માતાનો ચહેરો પણ યાદ ન હતો. હિરાબાએ તેમનું સમગ્ર બાળપણ તેમના માતા વગર પસાર કર્યું હોવાનો ઉલ્લેખ નરેંદ્રભાઈ મોદી તેમના બ્લોગમાં કરી ચૂકયા છે.
માતા હિરાબાના નિધન સમયે નરેન્દ્રભાઈ મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું હતું કે એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં બિરાજે છે.માતામાં મે હંમેશા ત્રિમૂર્તિની અનુભૂતિ કરી છે.જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે. તે પોતાની પસંદગીના સ્તોત્રો પણ ગાતા હતા. ત્યારે વડાપ્રધાન નરેંદ્રભાઈ મોદીએ લખ્યું હતું કે તેમના માતા સ્ત્રીત્વ અને સશક્તિકરણના સાચા પ્રતીક હતા. મારા જીવનમાં જે કંઈ સારું છે અને મારા પાત્રમાં જે કંઈ સારું છે તેનો શ્રેય મારા માતા-પિતાને જાય છે.નરેંદ્રભાઈએ તેમના બાળપણની વાર્તાઓની મદદથી તેમની માતાની દરેક ગુણવત્તા જણાવી છે, જે તેમના જીવનના દરેક કામ સાથે જોડાયેલી છે.
માતાના અવસાન બાદ આજે પ્રથમ માતૃત્વ દિવસ પર સ્વાભાવિક છે કે પુત્રને માતાની યાદ આવે.માતા હિરાબાનું સ્વપ્ન હતું કે પુત્ર નરેન્દ્રના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બને.