પોરબંદરઃ પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય માછીમારોની મુક્તિ થઈ છે. પાકિસ્તાનથી વાઘા બોર્ડર પહોંચ્યા છે. આજે 20 માછીમારો સાંજે રવાના થશે. 12 નવેમ્બરના રોજ પાકિસ્તાનની જેલમાંથી 20 ભારતીય માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા. આજે સાંજે વાઘા બોર્ડરથી ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં રવાના થશે.


આવતી કાલે સાંજ સુધીમાં માછીમારો વડોદરા પહોંચશે. વડોદરાથી બસ મારફત ગીર સોમનાથ પહોંચશે. મુક્ત કરાયેલા માછીમારોમાં 19 ગીરસોમનાથના અને 1 માછીમાર પોરબંદરનો છે. માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ છે. 


સૌરાષ્ટ્રના 4 જિલ્લાના ખેડૂતોના ખાતામાં 155 કરોડ રૂપિયાનું અતિવૃષ્ટીનું રાહત પેકેજ સીધું ખાતામાં જમા થયુંઃ રાઘવજી પટેલ


ગાંધીનગરઃ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોના ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત આજે પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેના જાહેર કરેલા રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. 


જોકે, ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું. જોકે, અતિવૃષ્ટિ મુદ્દે રાહત પેકેજ જાહેર કરવાના સરકારના દાવા પોકળ સાબિત થયા છે. 


આ ઉપરાંત તેમણે ટેકાના ભાવથી મગફળી ખરીદવાનું લાભ પાચમથી શરૂ થઈ ગયું છે, તેમ ઉમેર્યું હતું. ખરીદીમાં કોઈ ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી થશે, તેમ ઉમેર્યું હતું. આ ઉપરાંત ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી હોવાનું પણ કહ્યું હતું. એટલું જ નહીં, આમા કોઈ ગેરરીતિ થાય તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે. તેમણે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતીના જિલ્લા તરીકે જાહેર કરાશે. આગામી 19મી તારીખે આ જાહેરાત થશે, તેમ કહ્યું હતું.