રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા હતા. નવા કેસની સાથે રાજ્યમાં હાલ કોરોનાના કુલ એક હજાર 281 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એક હજાર 258 દર્દીઓ ઓપીડી બેઝ સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા 149 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જો કે સત્તાવાર રીતે રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. અમદાવાદ શહેરની વાત કરીએ તો શહેરમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 859 પર પહોંચ્યો હતો. શહેરમાં અત્યાર સુધી કોરોનાના 1,260 કેસ નોંધાયા હતા. પાલડી,વાસણા,નવરંગપુરા,સાબરમતી સહિતના વિસ્તારોમાં 243 એક્ટિવ કેસ નોંધાયા છે. તે સિવાય જોધપુર-બોપલ-સરખેજ સહિતના વિસ્તારોમાં 152 એક્ટિવ કેસ છે. ઉપરાંત મણિનગર-દાણીલીમડા-બહેરામપુરા સહિતના વિસ્તારોમાં 99 એક્ટિવ કેસ નોંધાયા હતા.

અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 169 કેસ નોંધાયા હતા પણ તેની સામે માત્ર 71 દર્દી સ્વસ્થ થયા હતા. છેલ્લા 42 દિવસમાં કોરોનાના 1 હજાર 260 કેસ નોંધાયા હતા. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે લોકોને તાવ, શરદી, ખાંસી હોય તો 27 જૂનના જગન્નાથજીની રથયાત્રામાં જોડાવવાનું ટાળવા અપીલ કરી હતી. કોરોનાની સ્થિતિ હાલ ગંભીર નથી પરંતુ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. ત્યારે લોકોને કોરોનાના લક્ષણો હોય તો રથયાત્રામાં જવાનું ટાળવાની સલાહ આપી છે. લક્ષણોવાળા વ્યકિતને હોમ આઈસોલેશનમાં જ રહીને ટીવી ચેનલ પર ભગવાનના દર્શન કરી લેવા જોઈએ.

ભારતમાં એક્ટિવ COVID-19 કેસોની સંખ્યા 7,000ને વટાવી ગઈ છે. ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી કેસ સતત વધી રહ્યા છે. 22 મેના રોજ ફક્ત 257 કેસ હતા, પરંતુ હવે આ આંકડો 7,000થી વધુ થઈ ગયો છે, જેના કારણે ફરી એકવાર કોરોનાની ગંભીરતા અંગે ચિંતા વધી છે. જેમ જેમ કેસ વધે છે તેમ તેમ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અને લોકોને માસ્ક પહેરવા અને ભીડ ટાળવાની સલાહ આપવામાં આવી રહી છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં 74 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા છે. કેરળ પછી મહારાષ્ટ્ર અને દિલ્હી હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે.