વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ફરી એકવાર વરસાદે એન્ટ્રી કરી છે ત્યારે શનિવાર રાતથી લઈ રવિવાર સવાર સુધીમાં ઉના અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉનામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતાં રાવલ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી જેને લઈને ડેમના ત્રણ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. નદીમાં બે કાંઠે વહેતી થતા નિચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં.
ઉપરવાસ અને ગીરના મછુન્દ્રી ડેમ પર સારા વરસાદના કારણે ડેમ સિઝનમાં 6 વાર ઓવરફ્લો થયો હતો. રાવલ નદી અને મછુન્દ્રી નદીમાં નવા નીર આવ્યા હતાં. જેને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતાં.