દેવભૂમિ દ્વારકા:  કલ્યાણપુર તાલુકાના પાનેલીમાં 3 લોકો નદીમાં ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા હતા.  નદીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. NDRFની એક ટીમને પણ બોલાવવામાં આવી હતી.  વાડી વિસ્તારમાં ફસાયેલા ત્રણ લોકોનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 


કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે ધોધમાર  વરસાદ વરસ્યો છે.  વરસાદના પગલે પાનેલી ગામ બેટમાં ફેરવાયું હતું.  વાડી વિસ્તારમાં ફસાયેલા 3 લોકોને બચાવવા  NDRFની ટીમ પણ બોલાવાઈ હતી.  તમામને એરફોર્સની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.  વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોનું  રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 


કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ


દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં ચાર કલાકમાં 11થી 15 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ઠેર-ઠેર પાંચ  ફૂટ સુધી પાણી ભરાયા છે. કલ્યાણપુર તાલુકાના ટંકારીયા તથા કેશવપુર ગામે ચાર-ચાર વ્યક્તિઓ ફસાઈ જતા તેમને બચાવ્યા હતા. પાનેલી ગામે એક પરિવાર ખેતરમાં ફસાઈ જતા જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હેલિકોપ્ટર જામનગરથી મંગાવી અને તેને બચાવવામાં આવ્યા છે. 


કલ્યાણપુર ભાટિયા સ્ટેટ હાઇવે ઘણી જગ્યાએ તૂટી ગયો છે તથા રસ્તા ઉપર અનેક સ્થળે પાણી ભરાતા ગામડાના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.  અનેક ગામોમાં  પાણી ફરી વળ્યા છે.  ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.  અનેક ગામો તળાવમાં ફેરવાઈ ગયા છે.   


ઉપલેટાના લાઠ ગામમાં આભ ફાટ્યું


હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.


રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે.  તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે. 


લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.