ગાંધીનગરઃ રાજ્યમાં 17 જૂલાઇથી વરસાદનું જોર વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ બધા વચ્ચે રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૫૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો હતો. સરદાર સરોવર ડેમ ૬૧ ટકાથી વધુ ભરાયો છે. સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 53 સે.મી. વધી છે. સરદાર સરોવર ડેમમાં હાલ 77 હજાર 955 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. સરદાર સરોવર ડેમની જળસપાટી 124.89 મીટરે પહોંચી છે. 


તાપીના ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઇ રહી છે. ઉકાઈ ડેમમાં હાલ 21 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. ઉકાઈ ડેમમાંથી હાલ 600 ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઈ ડેમની જળસપાટી વધીને 310.55 ફુટ પર પહોંચી છે. રાજ્યના ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાયા હતા જયારે ૪૪ જળાશયોમાં  ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૫૦ ટકા સુધી પાણી ભરાયું હતું.


રાજ્યમાં ૧૪ જુલાઈએ સવારે ૮ વાગ્યાની સ્થિતિએ કુલ ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૫૦.૩૭ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના ૩૧ જળાશયો ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે ૪૪ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયો ૫૦ ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના ૬૧.૩૫ ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે તેમ, સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.


અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી,  ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, રાજકોટનું વેરી, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ,  કચ્છનું બેરાછીયા, કંકાવટી, જાન્ગડિયા ગજાનસર, ગજોડ, કાલાગોગા, ડોન અને ગોઢાતડ, જામગનરનું વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.


આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ ૧૫ જળાશયોમાં ૫૮.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો ૩૩.૫૪ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો ૩૭.૦૯ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૬૪.૦૫ ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-૧૪૧ જળાશયોમાં ૬૧.૦૮ ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે.


 


 


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial