રાજ્યમાં 15 વર્ષ જુના હોય તેવા વાહનોની સંખ્યા 34 લાખની હોવાનું આરટીઓએ તૈયાર કરેલા ડેટા પરથી જાણવા મળ્યું છે. કેન્દ્ર સરકારે જુના વાહનોને સ્ક્રેપ પોલિસીની જાહેરાત કરી તે પછી કાઢવામાં આવેલા ડેટાને આધારે આ વિગતો આપવામાં આવી છે. આ તમામ વાહનોને સ્ક્રેપમાં નાખી દેવાની ફરજ પડશે.
રાજ્ય સરકારના પણ અંદાજે 13 હજાર વાહનો 15 વર્ષથી જુના હોવાથી તેને ભંગારમાં કાઢી નાંખવાની નોબત આવશે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ગુજરાતની આરટીઓએ ડેટા એકત્ર કરવાની કામગીરી કરી હતી. જેના આંકડા અનુસાર 21 લાખ થ્રી વ્હિલર અને ફોર વ્હિલર સ્ક્રેપમાં નાંખી દેવાને પાત્ર છે. તો ટ્રક, ટ્રેઈલર, મળીને ગુજરાતમાં ભંગારમાં નાંખી દેવા પડે તેવા અંદાજે 35 લાખ વાહનો હોવાનો નિર્દેશ મળી રહ્યો છે.
એક ઓક્ટોબર 2021થી આ નવી સ્ક્રેપ પોલિસીનો અમલ કરવાની જાહેરાત કરાઈ છે. તેમાં 15 વર્ષથી જુના કોમર્શિયલ વ્હિકલ અને 20 વર્ષથી જુના પેસેંજર વ્હિકલને સ્ક્રેપ કરી દેવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. આ સિવાય ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થનારા વાહનોને પણ સ્ક્રેપ કરવાની ફરજ પાડવામાં આવશે.
કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી
કેન્દ્ર સરકારની સ્ક્રેપ પોલિસી હેઠળ જે વાહનોને ભંગારમાં લઈ જવાશે એ વાહનોની આવરદા 15 વર્ષ કે વધારે હોય એ ધારાધોરણ રખાયું છે. આ સંજોગોમાં જેમનાં વાહન 15 વર્ષ જૂનાં હોય તેમણે પોતાનાં વાહનોને ભંગારમાં જવા દેવાની તૈયારી રાખવી પડશે. રૂપાણી સરકાર સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં સ્કેપ વ્હીકલ યાર્ડ બનાવશે અને આ સ્ક્રેપ યાર્ડમાં વાહનોનો નિકાલ કરાશે.
કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી. જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ભારત સરકાર અને રાજ્ય સરકારોને કહેવામાં આવતાં સ્ક્રેપ પોલિસી બનાવાઈ છે. ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા આ પોલિસીની જાહેરાત કરીને કહેવાયું હતું કે. 15 વર્ષ જૂનાં વાહનોને ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે. આ પોલિસી રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ એમ ત્રણ 'R' પર આધારિત છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી આ નીતિના આધારે ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. આ પોલિસીમાં ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર મૂકવામાં આવ્યો છે.
ભારતમાં હાલમાં જૂનાં વાહનોના નિકાલ માટે કોઈ વ્યવસ્થા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ વ્યવસ્થા ગોઠવવા માટે પ્રયત્નશીલ છે. દેશમાં 15 વર્ષ જૂનાં વાહનોના સ્ક્રેપ માટે નવી પોલિસી જાહેરાત કરાતાં રોજગારીની પણ નવી તકો ઉભી થશે એવો સરકાર દ્વારા દાવો કરાઈ રહ્યો છે.