Gujarat Corona Case Update: ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી કોરોના વાયરસના કેસ 300ની આસપાસ સામે આવી રહ્યા છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 341 કેસ સામે આવ્યા છે. આમ હવે 400ની આસપાસ કેસ પહોંચી જતા તંત્ર એલર્ટ બન્યું છે.
આજે રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે 3 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં 134 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 1, વલસાડમાં 1 અને વડોદરામાં કોરોના સંક્રમણથી 1 મોત થયું છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. તેમજ આજે 312 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. હાલ રાજ્યમાં 2246 કોરોનાના એક્ટિવ કેસ છે. તેમજ 05 દર્દીઓ વેન્ટીલેટર પર છે.
Gujarat: આવતીકાલે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે TET 1 ની પરીક્ષા યોજાશે
રવિવારે પ્રાથમિક શિક્ષકોની ભરતી માટે ટીચર્સ એલજિબ્લીટી ટેસ્ટ TET 1 યોજાવાની છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ પરીક્ષા લેવાવાની છે. આ પરિક્ષામાં ખાસ પેપર ટ્રેસિંગ માટે PATA એપ્લિકેશનનો ઉપયોગ થશે. જેથી પરીક્ષામાં પારદર્શિતા જળવાઈ રહે. અમદાવાદમાં કુલ 80 પરીક્ષા કેન્દ્રો પર 15000 જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના છે ત્યારે પરીક્ષાને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
TET-1 માટે અંદાજે 87 હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના છે. જોકે આ વખતે પરીક્ષાને લઇ બોર્ડ દ્વારા ફૂલપ્રૂફ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પરીક્ષા પહેલા જ પરીક્ષા સાથે સંકળાયેલા કેન્દ્ર સંચાલકોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સાથે જ આ પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા બોર્ડ પરીક્ષાના તર્જ પર PATA પેપર બોક્સ ઓથેન્ટિકેશન ટ્રેકિંગ એપ્લિકેશન ની મદદ લેવામાં આવી છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં PATA નો ઉપયોગ કરવામાં આવે છે, તેવી રીતે ટેટ પરિક્ષામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવશે. 'પેપર બોક્સ ઓથેન્ટીકેશન એન્ડ ટ્રેકિંગ એપ્લિકેશન' નામથી તૈયાર કરાયેલી મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી રાજ્ય પરીક્ષા બોર્ડ પરીક્ષાના સીલ બંધ કવર તેમજ પરીક્ષા આપનાર ઉમેદવારઓની સંખ્યા પર સીધી નજર રાખવાનો પ્રયાસ કરશે.
'PATA' તમામ પરીક્ષા કેન્દ્રના સ્થળ નિરીક્ષકોએ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપના માધ્યમથી પરીક્ષા કેન્દ્ર પર રવાના થતા તમામ પેપર બોક્સ ટ્રેક કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સીલ બંધ બોક્સ ખોલતા પહેલા તેના ફોટો પાડીને આ એપમાં અપલોડ પણ કરવાના રહેશે. તો સાથે જ તમામ ઉમેદવારોની હાજરી અને ગેરહાજરીની સંખ્યા પણ એપ્લિકેશનમાં સ્થળ સંચાલકોએ અપલોડ કરવાની રહેશે. તેમજ પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ બે ફોટોગ્રાફ 'PATA'માં અપલોડ કરવાના ફરજીયાત રહેશે.