કચ્છ: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. કચ્છ જિલ્લામાં મેડિકલ ઇમરજન્સીને વધારાની એમ્બ્યુલન્સને ભુજ લાવવામાં આવી છે. ભુજમાં અત્યાર સુધીમાં વધારાની એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. ભુજમાં આજે 35 એમ્બ્યુલન્સ જી.કે જનરલ હોસ્પિટલ આવી પહોંચી હતી. આ તમામ એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કચ્છ સંવેદનશીલ વિસ્તાર હોય આરોગ્ય સેવાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. હજુ પણ 50 જેટલી એમ્બ્યુલન્સ કચ્છ જિલ્લામાં મોકલાશે.
ભારતે પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતની આ કાર્યવાહીથી બોખલાયેલા પાકિસ્તાને ભારતની બોર્ડર પરના ગામડાઓને નિશાન બનાવવાનું શરુ કર્યું છે. ભારતીય સેના પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ તોડી પાડે છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. પાકિસ્તાન દ્વારા ભારતીય ક્ષેત્રમાં મિસાઈલ અને ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસો બાદ, ભારતે હવે પાકિસ્તાન પર વળતો પ્રહાર કરવાનું શરૂ કર્યું છે.
ભારતે પાકિસ્તાનના ઘણા ફાઈટર જેટને પણ તોડી પાડ્યા છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બે સૌથી અદ્યતન ફાઇટર જેટ JF-17 અને એક F-16 ફાઈટર જેટ સહિત કુલ ત્રણ લડાકુ વિમાનોને તોડી પાડ્યા. આ પાકિસ્તાની લડાકુ વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેને ભારતીય સુરક્ષા દળોએ સફળતાપૂર્વક રોકીને તોડી પાડ્યા.
નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને કચ્છ જિલ્લો હાઈ એલર્ટ પર છે. કચ્છના સરહદી વિસ્તારોના ધાર્મિક સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. લખપતનું નારાયણ સરોવર ધાર્મિક સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે નારાયણ સરોવર મંદિર બંધ કરવામાં આવ્યું છે. મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતા જતા વાહનો પણ તપાસવામાં આવી રહ્યા છે.
કચ્છ સરહદ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓને કોટેશ્વર જવાની મનાઈ કરવામાં આવી છે. લખપત ત્રણ રસ્તા પર ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. લખપત ત્રણ રસ્તાથી પ્રવાસીઓને આગળ જવા દેવામાં નથી આવતા. નારાયણ સરોવર અને કોટેશ્વર જતા પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકાયો છે. પોલીસ દ્વારા સ્થાનિક લોકોનું પણ ચેકીંગ કરાઈ રહ્યું છે.
નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ
પાકિસ્તાન સરહદે આવેલા નડા બેટની સુરક્ષા વધારવામાં આવી છે. નડા બેટ પર સતર્કતા વધારવામાં આવી છે. નડા બેટ વિસ્તારમાં પર્યટકો પર પ્રતિબંધ મૂકાયો છે. ભારત-પાક તણાવ વચ્ચે કચ્છમાં આવેલા પ્રવાસી સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અનેક જગ્યાએ પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.