અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 9.23 ઇંચ વરસાદ ખાબક્યો છે જે સીઝનનો 28.222 ટકા જેટલો છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ જોઈએ તો આ ચોમાસાની સૌથી સારી શરૂઆત છે.

ગયા વર્ષે જુલાઈ સુધીમાં ગુજરાતમાં 7.56 ઇંચ અને સીઝનનો સરેરાશ 23.54 ટકા વરસાદ પડ્યો હતો. કચ્છની વાત કરીએ તો ત્યાં ગયા વર્ષે 9 જુલાઈ સુધીમાં માત્ર 0.98 ટકા વરસાદ પડ્યો હતો જ્યારે આ વખતે ત્યાં અત્યાર સુધીમાં 11.37 ઇંચ વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષની 9 જુલાઈ સુધીની વરસાદની સ્થિતિ જોઈએ તો ૨૦૧૫માં ૬.૭૭ ઈંચ (સીઝનનો 21.86 ટકા વરસાદ), ૨૦૧૬માં ૩.૯૮ ઈંચ (સીઝનનો 23.54 ટકા વરસાદ), ૨૦૧૭માં ૮.૫૧ ઈંચ (સીઝનનો 26.72 ટકા વરસાદ)  જ્યારે ૨૦૧૮માં ૫.૫૨ ઈંચ (સીઝનનો 16.88 ટકા વરસાદ) વરસાદ પડયો હતો. આમ અગાના વર્ષની તુલનામાં આ વર્ષે વરસાદની સારી શરૂઆત થઈ છે.

કચ્છના માંડવીમાં ગત વર્ષે ૯ જુલાઇ સુધીમાં ૦.૮૨ ઈંચ સાથે સીઝનનો સરેરાશ માંડ ૫.૦૯% વરસાદ પડયો હતો. જેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૨૪.૫૬ ઈંચ સાથે સીઝનનો ૧૪૬.૩૩% વરસાદ પડી ચૂક્યો છે. માંડવી ઉપરાંત 100 ટકાથી વધારે વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારમાં જામનગરના કાલાવડ, દેવભૂમિ દ્વારકાના ભાણવડ-દ્વારકા-કલ્યાણપુર-ખંભાળિયા, પોરબંદરમાં મોસમનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષે ૯ જુલાઇ સુધી ૫.૦૩ ઈંચ સાથે મોસમનો માત્ર ૧૯.૨૯% વરસાદ પડયો હતો. જ્યારે આ વર્ષે અહીં ૧૪.૮૦ ઈંચ સાથે સીઝનનો ૫૫.૪૮% વરસાદ પડી ચૂક્યો છે.