અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં ચિંતાના સમાચાર સામે આવ્યા છે. આજે નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ બનાસકાંઠામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6 પર પહોંચી છે.

આજે જે 4 નવા કેસ સામે આવ્યા છે તેમાં ત્રણ કેસ ગઠામણ અને એક કેસ વાવ તાલુકાના ગામમાં આવ્યા છે. આ ચારેય લોકો કોરોના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યા હતા અને ત્યાંથી જ તેમને ચેપ લાગ્યા હોવાનો અંદાજ છે.

ગઠામણ ગામમાં જે ત્રણ દર્દીને કોરોના પોઝિટિવ આવ્યો છે તે ત્રણે એક જ પરિવારના સભ્યો છે. જેમાં બે છોકરી અને એક છોકરાનો સમાવેશ થાય છે.

નોંધનયી છે કે, ગઈકાલે સાંજ સુધીમાં કોરોનાના 71 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 4 લોકોનાં મોત થયા હતા. કોરોનાના કારણે કચ્છમાં આજે પ્રથમ મોત થયું હતું. માધાપરમાં 62 વર્ષીય દર્દીનું મોત થયું હતું. આ સાથે કુલ મૃત્યુઆંક 34 થયો છે. જ્યારે રાજ્યમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 766 પર પહોંચી ગઈ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 116 કેસ નોંધાયા છે. આજે જે 71 નવા કેસ નોંધાયા છે તેમાં અમદાવાદમાં સૌથી વધુ 46 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 3, વડોદરામાં 5, રાજકોટમાં 06, ભરૂચ-2, આણંદ 7, નર્મદા - 2 કેસ નોંધાયા છે. આજે જે ત્રણ દર્દીના મૃત્યુ થયા છે તે તમામ ત્રણ મહિલાઓ હતી અને અમદાવાદના હતા. એક 40 વર્ષીય, બીજા 65 વર્ષના મહિલા જેમને ડાયાબિટિસ અને ફેફસાની બીમારી પણ હતી. જ્યારે ત્રીજી મહિલા 55 વર્ષના હતા જેમને હ્રદયની બીમારી હતી.

ગુજરાતમાં જે 766 કેસ છે. તેમાંથી 6 ક્રિટિકલ છે જ્યારે 663 સ્ટેબલ છે. જ્યારે 64 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 34એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 19197 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 766 પોઝિટિવ આવ્યા છે.