અમદાવાદ: જર્મનીથી દારૂની 8 બોટલ લઇને આવેલા 4 યુવકની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. છત્રાલની મેક્સિન કંપનીના 4 કર્મચારીની કાર સુભાષચોક પાસે પોલીસે ચેક કરતા દારૂની આઠ બોટલો મળી આવી હતી. પોલીસે પરમિટ માગતા ચારેયમાંથી એકેયની પાસે પરમિટ ન હતી. જેથી પોલીસે તેમની ધરપકડ કરી હતી.




વસ્ત્રાપુર પોલીસ સુભાષચોક પાસે ચેકિંગમાં હતી ત્યારે ત્યારે એઈસી બ્રિજ તરફથી એક કાર આવી હતી. પોલીસે કાર રોકતા તેમાં છત્રાલની મેક્સિન કંપનીના નેષધ પટેલ (થલતેજ), દિગેશભાઈ પટેલ (ઊંઝા), પ્રીતેશ પટેલ (ગાંધીનગર) અને ચિરાગ પટેલ (ગોતા) તેમજ ડ્રાઇવર બળદેવ ઠાકોર હોવાનું જણાયું.



ચારેય જણા કંપનીના કામથી જર્મની ગયા હતા. પોલીસને શંકા જતા બેગ ચેક કરતા તેમાંથી દારૂની 12 હજારની કિંમતની 8 બોટલ મળી આવી હતી. આ અંગે એ ડિવિઝન એસીપી એમ.એ. પટેલે જણાવ્યું કે, કોઇ પણ વ્યકિતને વિદેશથી દારૂ લઇને અમદાવાદ આવવું હોય તો તેમની પાસે લીકર પરમિટ હોવી જરૂરી છે.

આ પરમિટ કાયમી કે ટ્રાન્ઝિસ્ટ હોઇ શકે છે, પરંતુ પરમિટ વગર કોઇ પણ વ્યકિત અમદાવાદ એરપોર્ટની બહાર દારૂ લઇને આવી શકે નહીં. વિદેશથી પરત આવી રહેલા લોકો એવું સમજે છે કે, વિદેશથી બે બોટલ દારૂ લાવી શકાય છે, પણ પરમિટ વગર દારૂ લાવવો ગેરકાયદેસર છે.