અમરેલી: અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના આંબરડી ગામે વીજળી પડવાની ઘટના બની છે.આંબરડી ગામે શ્રમિકો પર વીજળી કાળ બનીને ત્રાટકી હતી. વીજળી પડવાની ઘટનામાં પાંચ શ્રમિકોના મોત થયા છે. શ્રમિકો ખેતરેથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. 
 
લાઠી તાલુકાના આંબરડી ગામના પરીવાર પર આભ ફાટયું છે. આંબરડી ગામે ખેતરથી પરત ફરી રહ્યા હતા ત્યારે વીજળી પડવાની ઘટના બની હતી. 3 લોકો ગભરાઈ જતા તેમને ઢસા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  


મૃતકોના નામ


ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા - ઉંમર 35 વર્ષ - આંબરડી


શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા - ઉંમર 18 વર્ષ - આંબરડી


રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા - ઉંમર 7 વર્ષ- આંબરડી


રૂપાલીબેન દલસુખભાઈ - ઉંમર 8 વર્ષ-  આંબરડી 


રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા - ઉંમર 5 વર્ષ- આંબરડી 


વીજળી પડવાના કારણે એક પરિવારના 5 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. જેમાં બાળકો પણ સામેલ હતા. વીજળી પડવાની આ ઘટનામાં ત્રણ બાળકોના મોત નિપજ્યા છે.   વીજળી પડવાના કારણે અન્ય ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે તમામ લોકોને સારવાર અર્થે લાઠી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.  આ ઘટનાને લઇ આંબરડી ગામમાં શોકનો માહોલ છે.   


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Rain Forecast) ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ સક્રિય રહેવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં નવી ચક્રવાતની શક્યતા છે અને આના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડવાની શક્યતા છે.


પટેલે જણાવ્યું કે, હાલમાં જે સિસ્ટમ બંગાળના ઉપસાગરમાંથી આવી હતી તે હવે પશ્ચિમ ઘાટ તરફ વરસાદ કરતી રહેશે. જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડશે. ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, અમરેલી, બંદર, દ્વારકા, કચ્છ, જામનગર,  રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે.


પટેલે એમ પણ જણાવ્યું કે, ઓક્ટોબરમાં મધ્ય ગુજરાતના ભાગો જેવા કે  વડોદરા, જંબુસર, ભરૂચમાં પણ ક્યાંક કામોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.


પટેલે વધુમાં જણાવ્યું કે, તારીખ 22 ઓક્ટોબર સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં તો ક્યાંક ક્યાંક વરસાદ વરસતો રહેશે. 29 તારીખમાં વધારે શક્યતા છે. પરંતુ તારીખ 22 ઓક્ટોબર પછી પણ ક્યાંક ક્યાંક હવામાનમાં પલટો આવી શકવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દિવાળીના દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.