ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના પાકિસ્તાનનું વધુ એક ષડયંત્ર નિષ્ફળ કરી દેવામાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્ડિયન  કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન કરી અરબ સમુદ્રમાં પાકિસ્તાનથી આવતા હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે.  09 ક્રૂ મેમ્બરો સાથે પાકિસ્તાની બોટ અલ હજને જપ્ત કરી લેવામાં આવી છે. પાકિસ્તાનની બોટને વધુ તપાસ માટે જખૌ બંદર લાવવામા આવી રહી છે.


ઇન્ડિયન કોસ્ટગાર્ડે હેરોઈનના 55 પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજીત કિંમત 280 કરોડ હોવાની શક્યતા છે અને તે કુલ 56 કિલો છે. જો કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું છે. ત્યારે ભારતીય એજન્સીઓને જોઈને પાકિસ્તાની બોટને પાકિસ્તાન સરહદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પાકિસ્તાન બોટને રોકવા માટે મધ દરિયે ગોળીબાર કરવો પડ્યો હતો.


અટારી બોર્ડર પર લગભગ 700 કરોડ રૂપિયાનું 102 કિલો હેરોઇન જપ્ત


પંજાબઃ કસ્ટમ વિભાગે રવિવારે પંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 700 કરોડ હોવાનું કહેવાય છે.  આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસર કસ્ટમ્સ (પી) કમિશનરેટ હેઠળના ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીપી) અટારી દ્વારા કુલ 102 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.





સત્તાવાર નિવેદન અનુસાર, હેરોઈન દિલ્હી સ્થિત એક વ્યક્તિ દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ કન્સાઈનમેન્ટમાં છુપાવવામાં આવ્યું હતું. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમૃતસર કસ્ટમ કમિશનર રાહુલ નાંગરેએ કહ્યું, "અફઘાનિસ્તાનથી એક કન્સાઈનમેન્ટ ICP અટારીમાં આવ્યું હતું, અમને કંઈક અસામાન્ય લાગ્યું હતું. તપાસ દરમિયાન તે હેરોઈન હોવાનો ખુલાસો થયો હતો.  અમે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ."


ઉલ્લેખનીય છે કે  અફઘાનિસ્તાનમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ આયાત કાર્ગોની કડક તપાસ કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાંથી સૂકા ફળો, તાજા ફળો અને જડીબુટ્ટીઓની નિયમિત આયાત ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અટારી દ્વારા કરવામાં આવે છે.


સોના અને ડ્રગ્સની દાણચોરીના ઘણા કેસ નોંધાયા છે


અમૃતસર કસ્ટમ્સે એરપોર્ટ તેમજ લેન્ડ કસ્ટમ સ્ટેશન, ICP અટારી પર સોના અને ડ્રગ્સની દાણચોરીના ઘણા કેસ નોંધ્યા છે. આ પ્રક્રિયામાં જૂન 2019માં અટારી ખાતે ICP ખાતે લગભગ 532.630 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તે ભારતમાં ડ્રગના સૌથી મોટા કેસોમાંનો એક હતો.