રાજકોટ: સુત્રાપાડાનાં તાલુકામાં પ્રાસલી ગામથી મોરડીયા સુધીના વિસ્તારમાં આભા ફાટ્યું હતું. 24 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી થઈ હતી અને જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી થઈ ગયું હતું.

આ ઉપરાંત ઉનામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગીર પંથકમાં વહેલી સવારથી જ મેઘરાજા યથાવત છે. ગીર પંથકના ગામડાઓમાં વહેલી સવારથી ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે. રાજકોટમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે જ્યારે અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે.

ખાંભામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સિહોરમાં પણ વહેલી સવારે 4 વાગ્યાથી ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી ચારેબાજુ પાણી પાણી થઈ ગયું છે.

વીજળીના કડાકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મવાળા ગીરના સિંગોડા ડેમ ઓવરફ્લો થતાં બે દરવાજા ખોલવામાં આવ્યા છે. તેમજ કોડીનાર બ્રિજ પર પાણી ફરી વળ્યું હતું. જેના કારણે પોલીસ દ્વારા વાહનવ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો.

ગુરુવારે સાંજે ગોંડલમાં ભારે વરસાદને કારણે વોરાકોટકા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વોરાકોટડા જવાના પુલ પર પાણી ફરી વળ્યાં હતાં. ચોમાસામાં વારંવાર સંપર્ક વિહોણું બને છે. જીવના જોખમે ગામના લોકો પુલ ઓળંગી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી.