ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રાપજ બાયપાસ નજીક બંધ પડેલા ડમ્પર પાછળ એક ખાનગી બસ ઘૂસી જતા 6 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ બાળક , બે મહિલા અને 1 પુરૂષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા હતા.
મળતી જાણકારી અનુસાર, ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે જીવલેણ અકસ્માત સર્જાયો હતો. ત્રાપજ બાયપાસ નજીક રસ્તા પર બંધ પડેલા ડમ્પર પાછળ ખાનગી બસ ઘૂસી જતા છ મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે તળાજા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે ખાનગી બસનો એક બાજુનો અડધો ભાગ જ કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઈજાગ્રસ્તમાંથી એક મહિલા અને એક બાળકી ગંભીર રીતે ઘાયલ થતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તો તળાજાની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ જેતપુર- સોમનાથ હાઈવે પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 7 લોકોના કમકમાટીભર્યો મોત થયા હતા. કારની ટક્કર એવી જોરદાર હતી કે, ઘટનાસ્થળે જ 7 લોકોના મોત થયા છે. અકસ્માત જૂનાગઢના ભંડુરી નજીક માર્ગમાં સર્જાયો હતો. એક કારમાં પાંચ વ્યકિત તો બીજી કારમાં બે વ્યકિત સવાર હોવાની માહિતી મળી હતી. તમામ મૃતકોના મૃતદેહને માળિયા હાટિના સરકારી હોસ્પિટલ લઇ જવાયા છે. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો.
આ પહેલા તાજેતરમાં જ ગીર સોમનાથ નજીક કોડીનાર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. ઉમ્બરી ગામમાં ફાટક નજીક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક ટ્રક ચાલકના પગ કપાઇ ગયા હતા. જ્યારે અન્ય એક ટ્રક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો.
તો બીજી તરફ સુરત ઓલપાડના ઓલપાડના અટોદરા ગામે હૃદય કંપાવનારી ઘટના બની છે. 2 વર્ષની બાળકી કાર નીચે કચડાઈ જતાં મૃત્યુ થયું છે. દરમિયાન કાર ચાલકની બેદરકારીને કારણે બાળકી કાર નીચે કચડાઇ જતાં ગંભીર ઇજા પહોંચી હતી.
Gujarat : દારુ પીધા બાદ શખ્સે ફોર્ચ્યુનર કાર લોકો પર ચડાવી, અકસ્માત સર્જી થયો ફરાર