Dashama Murti Visarjan: શ્રાવણ મહિનો શરૂ થતાં જ વ્રત અને તહેવારો શરૂ થાય છે. ઈશ્વરની આરાધના કર્યા બાદ મૂર્તિના વિસર્જન માટે માઈ ભક્તો તળાવ કે નદીમાં વિસર્જન કરવા જાય છે. જો કે, આ વિસર્જન દરમિયાન કેટલીક જગ્યાએ દુર્ઘટના સામે આવી છે. જેમાં કેટલાક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. નદી કે તળાવમાં માતાજીની મૂર્તિ વિસર્જન કરતા વખતે પાણીમાં ડૂબી જવાથી યુવકોના મોત થયા છે.
સંદેશર ગામે બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત
આણંદના સંદેશર ગામે દુર્ઘટના સામે આવી છે. દશામાંની મૂર્તિ વિસર્જન કરતા ઘટના બની હોવાની ચર્ચા છે. જ્યાં બે વ્યક્તિઓના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. મૃતકોમાં એક યુવક અને એક યુવતીનો સમાવેશ થાય છે. મોડી રાત્રીએ આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે. બંન્નેના પરિવારે ડેડ બોડીને પીએમ માટે મોકલવાનો ઇન્કાર કર્યો હતો આ ઉપરાંત પોલીસ ફરિયાદ કરવાનો પણ ઇન્કાર કર્યો હતો. જો કે, મોતનું કારણ દશામાની મૂર્તિ વિસર્જન કરતા સમયે થયું કે આપઘાત કર્યો તે અંગે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.
અમરાવતી નદીમાં 3 યુવાનો તણાયા
અંકલેશ્વરની અમરાવતી નદીમાં 3 યુવાનો તણાયા છે. જેમાં એક યુવાનનો બચાવ થયો છે જ્યારે 2 યુવાનો હજુ પણ લાપતા છે. દશા માની મૂર્તિના વિસર્જન દરમ્યાન દુર્ઘટના સર્જાય હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા શોધખોળ શરૂ કરાઇ છે.
ઘઉંવા નદીમાં યુવાન ડૂબ્યો
ઇડરના કડિયાદરા ગામની ઘઉંવા નદીમાં યુવાન ડૂબ્યો છે. કડિયાદરા ગામનો કમલેશ નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા ગયો હતો. આ દરમિયાન પાણીમાં ડૂબ્યો છે. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરવિભાગે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગે મૃતક કમલેશના મૃતદેહને બહાર કાઢ્યો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત
પંચમહાલના મોરવાહડફનાં સુલિયાત ગામના સિંચાઈ તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. પંકજ બાબુ ડાંગી નામનાં યુવકનુ ડૂબી જવાથી મોત થયું છે. દશામાની મુર્તિ તળાવમાં પધરાવવા માંટે જતાં ઘટના બની હોવાનું આવ્યું સામે આવ્યું છે. સ્થાનિક તળવૈયાની મદદ લઈ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.