Amreli : સતત વિવાદોમાં રહેતી અમરેલી જિલ્લાની રાજુલા નગરપાલિકાના છઠ્ઠા પ્રમુખે પણ રાજીનામું આપી દેતા રાજુલા પંથકના રાજકારણમાં ફરી ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ રાજુલા નગરપાલિકાના પ્રમુખ  છત્રજીત ધાખડાએ રાજીનામું આપી દીધુ છે. છત્રજીત ધાખડાએ જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. 


છત્રજીત ધાખડાએ આપ્યું  રાજીનામું
કોંગ્રેસ શાસિત રાજુલા નગરપાલિકાના પ્રમુખ  છત્રજીત ધાખડાએ રાજીનામું આપી દીધું છે. છત્રજીત ધાખડાએ પારિવારિક કામો અને અંગત કારણો બતાવી જિલ્લા કલેકટરને રાજીનામું ધરી દીધું છે. ઉલ્લેખનીય છે કે  ચાર વર્ષમાં રાજુલા નગરપાલિકાના છઠ્ઠા પ્રમુખે પણ રાજીનામું આપી દીધું છે. હવે રાજુલા નગરપાલિકાને સાતમા પ્રમુખ મળશે. 


ચાર વર્ષમાં છઠ્ઠા પ્રમુખનું રાજીનામું
2018માં રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં રાજુલા  નગરપાલિકામાં કોંગ્રેસનો ભવ્ય વિજય થયો હતો. આ ચૂંટણીમાં  27 બેઠક કોંગ્રેસને મળી હતી. તેમજ ફક્ત એક બેઠક ભાજપને મળી હતી. જેથી રાજુલા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે. ચાર વર્ષના ગાળામાં છઠ્ઠા પ્રમુખે પણ રાજીનામું આપતા રાજુલા નગરપાલિકા હાલ સૌરાષ્ટ્રભરના રાજકરાણમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. 


7 મહિના પહેલા પાંચમા પ્રમુખે રાજીનામું આપ્યું હતું 
7 મહિના પહેલા નવેમ્બર-2021ના રોજ રાજુલા નગરપાલિકાના પાંચમા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રાએ રાજીનામું આપ્યું હતું. સતત વિવાદોમાં રહેતી રાજુલા નગરપાલિકામાં અત્યાર સુધીમાં મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા, બાઘુબેન બાલાભાઈ વાણીયા, મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા, કાંતાબેન કિશોરભાઈ ધાખડા, ભરતભાઇ સાવલીયા (કાર્યકારી પ્રમુખ) અને ઘનશ્યામભાઈ લાખણોત્રાએ રાજીનામુ આપ્યા બાદ હવે છઠ્ઠા પ્રમુખ છત્રજીત ધાખડાએ પણ રાજીનામું આપી દીધું છે. 


15 મતે જીત મેળવી છઠ્ઠા પ્રમુખ બન્યાં હતા છત્રજીત ધાખડા
ગત ડિસેમ્બર મહિનામાં રાજુલા પ્રાંત અધિકારી કે.એસ.ડાભીના અધ્યક્ષસ્થાને  રાજુલા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં   પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં પ્રમુખ તરીકે ચૂંટાઈ અવેલા કોંગ્રેસના છત્રજીત ધાખડાને 15 મત મળેલ અને તેની સામે કોંગ્રેસ પક્ષના બીજા ઉમેદવાર રજની જાલંધરાને 12 મત મળેલ હતા. છત્રજીત ધાખડા 15 મતે જીત મેળવી છઠ્ઠા પ્રમુખ બન્યાં હતા. હવે છઠ્ઠા પ્રમુખ છત્રજીત ધાખડાએ પણ રાજીનામું આપી દીધું છે.