Vadodara : અમદાવાદમાં આયશા આત્મહત્યાકાંડથી સમગ્ર ગુજરાત હચમચી ગયું હતું. વડોદરામાં આવી જ રીતે એક યુવતીએ આત્મહત્યા કરી લીધી છે. આ યુવતીએ આત્મહત્યા કરતા પહેલા આયશાની જેમ જ પોતાનો વિડીયો બનાવ્યો હતો, અને વિડીયો બનાવ્યાના બે દિવસ બાદ આત્મહત્યા કરી લીધી. 


પ્રેમીએ તરછોડતા મોતને વ્હાલું કર્યું
આ અંગે  મળતી માહિતી મૂજબ વડોદરાના  તાંદલજાની યુવતી નફીસા ખોખરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે નફીસાએ અગાઉ અમદાવાદ જઈને બે વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. નફીસાએ અમદાવાદમાં રહેતા શેખ રમીઝ અહેમદ નામના યુવકના પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યાના આક્ષેપ કરવામાં આવ્યાં છે. નફીસા અને રમીઝ બંને વડોદરામાં લિવ-ઈન રિલેશનમાં  રહેતા હોવાની વાત સામે આવી છે. 


કહેવામાં આવી રહ્યું છે કે રમીઝે લગ્ન કરવાની લાલચ આપી નફીસા સાથે લિવઈનમાં રહ્યો હતો અને આ દરમિયાન નફીસાનું શારીરિક શોષણ કર્યું હોવાના પણ આક્ષેપ લાગ્યા છે. જો કે બાદમાં રમીઝે લગ્ન કરવાની ના પડતાં નફીસા આઘાતમાં સરી પડી હતી અને આ કારણે જ તેણે આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 


લિવ-ઈન રિલેશન બની હત્યાનું કારણ
વડોદરાની નફીસા ખોખરની આત્મહત્યા પાછળ પ્રેમપ્રકરણ અને લિવઈન રિલેશનશિપ કારણભૂત હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતક નફીસાના પરિવારે જે.પી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં શેખ રમીઝ અહેમદના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિવારજનોએ એ પણ આક્ષેપ કર્યો કે પોલીસ તેમની ફરિયાદ નોંધી રહી ન હતી. જો કે બાદમાં ફરિયાદ નોંધાતા આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. 


જે.પી પોલીસ મથક માં પરિવારે દ્વારા કરાયેલી ફરિયાદમાં શેખ રમીઝ અહેમદ ના નામનો ઉલ્લેખ કરાયો છે. વડોદરા પોલીસના પીએસઆઇ સહિતની ટિમ વડોદરાથી અમદાવાદ પહોંચી છે અને આ સાથે અમદાવાદ પોલીસની એક ટિમ પણ તપાસમાં જોડાશે.