ગુજરાતમાં મુખ્યમંત્રીના નામને લઈને 600 કરોડ રૂપિયાનો સટ્ટો રમાયો હતો. મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલના નામની જાહેરાત થતા જ સટ્ટામાં બુકીઓ માલમાલ થઈ ગયા હતાં. મનસુખ માંડવિયાથી માંડીને નીતિન પટેલ સહિતના નામોની ગણતરી ઉંધી વળતા સટ્ટોડિયાઓએ કરોડો રૂપિયા ગુમાવ્યા હતાં.


 મુખ્યમંત્રીના નામ પર અત્યાર સુધીનો સૌથી મોટો સટ્ટો રમાયો છે. શનિવારે બપોર બાદ ઓચિંતા જ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટો ઉલટફેર આવ્યો હતો. તત્કાલિન મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ ઓચિંતાજ રાજભવન પહોંચીને રાજીનામુ ધરી દીધું હતું. ત્યારે ગુજરાતની રાજકીય સ્થિતિનો લાભ બુકીઓએ લીધો હતો. શનિવારે સાંજે કૌન બનેલા મુખ્યમંત્રી પર સટ્ટો શરૂ કર્યો હતો. છેલ્લા 22 કલાકમાં ગુજરાતમાં સટ્ટોડિયાઓ 600 કરોડનો સટ્ટો રમ્યા હતાં.


કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા, કેંદ્રીય મંત્રી પરસોતમ રૂપાલા, નીતિન પટેલ, પ્રફુલ્લ પટેલના નામો ખૂલ્યા હતાં. જેમાં સટ્ટોડિયાની સૌ પ્રથમ પસંદગી મનસુખ માંડવિયા હતી અને માંડવિયાનો ભાવ 30 પૈસા ખૂલ્યો હતો. તો રૂપાલા માટે 20 પૈસા અને નીતિન પટેલ માટે 18 પૈસા ભાવ હતો.


બપોરે બે વાગ્યે બુકિઓએ ભાવ લેવાનું બંધ કરતા હતા ત્યારે માંડવિયાનો ભાવ 35 પૈસા તો નીતિન પટેલનો ભાવ 25 પૈસા સુધી પહોંચી હયો હતો. જો કે છેલ્લી ઘડીએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલનું નામ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતા તમામ સટ્ટોડીયાઓએ રૂપિયા 600 કરોડની માતબર રકમ ગુમાવી હતી.


સટ્ટોડીયાાઓના મતે ગુજરાતના મુખ્યમંત્રી પર સૌ પ્રથમવાર સટ્ટો રમાયો હતો. જો કે છેલ્લી ઘડીએ સરપ્રાઇઝ આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યપધ્ધતિએ સટ્ટોડિયાઓને રડાવ્યા હતા. તો બુકીઓ કમાઇ ગયા હતા.


ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રી


ગુજરાતમાં ભાજપે  દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.