Ponzi scam: કરોડોનું ફુલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે FIR દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમે ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરૂદ્ધ 316 (5), 318 (4) 61 (2)ની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. ગુજરાત પ્રોટેકશન ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ અંતર્ગત પણ ફરિયાદ નોંધવામાં આવી છે. BZ ફાયનાન્સિયલ સર્વિસ અને BZ ગ્રુપે રાજ્યના અલગ-અલગ જિલ્લામાં ઓફિસો ખોલી ફ્રોડ કર્યાનો આરોપ છે. CID ક્રાઈમના પોલીસ ઈન્સ્પેકટર ફરિયાદી બન્યા હતા. ભૂપેન્દ્રસિંહ સહિત તેના મળતિયા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.


સાબરકાંઠાનો ભૂપેન્દ્રસિંહ ઝાલા વૈભવી કારનો શોખીન હોવાનો ખુલાસો થયો છે. ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે કરોડો રૂપિયાની વૈભવી કાર છે. ઠગ ભૂપેન્દ્રસિંહને લેક્સસ, લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના શોખ છે. એટલું જ નહી જન્મદિવસની ઉજવણી સમયે ઠગ ભૂપેન્દ્ર ઝાલાએ સોનાનો તાજ પહેર્યો છે. સોનાનો તાજ પહેરી મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાએ જન્મદિવસની ઉજવણી કરી હતી.


ભૂપેન્દ્રસિંહ ઝાલાનું માર્કેટિંગ ખુદ ધારાસભ્યએ કર્યું હતું. બાયાડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જ પોન્ઝી સ્કીમનું માર્કેટિંગ કર્યું હતું. BZ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ લોકાર્પણ સમયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ધવલસિંહ ઝાલા કહ્યું હતું કે એકના બે અને બે ના ચાર કઈ રીતે કરવા તે મિત્ર ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે. કોઈ એ ચિંતા કરવાની જરૂર નથી. જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે છે.


ધવલસિંહ ઝાલાએ મોટી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે હું એકલો જ નહીં અનેક આગેવાનો સ્ટેજ હતા. શૈક્ષણિક હેતુના કારણે હાજરી આપી હતી. નવી સંસ્થાએ ટેક ઓવર કરતા હાજરી આપી હતી. મેં માત્ર આર્થિક ગ્રોથની જ વાત કરી હતી. મેં કોઈને પણ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા નથી. ભૂપેન્દ્ર ઝાલાને અનેક લોકોએ એવોર્ડ આપ્યા છે. મને બદનામ કરવા વીડિયો વાયરલ કરાયા છે. હું નહીં, મારા કરતા મોટા નેતાઓ હાજર હતા.


18 ટકા ઊંચા વળતરની સાથે ગોવા ટ્રીપની લાલચ આપી અનેક રોકાણકારોને ઠગનારા BZ ગ્રુપના મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઠગી સ્કીમનો CID ક્રાઈમબ્રાંચે પર્દાફાશ કર્યો છે. CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર અને મધ્ય ગુજરાતના હજારો રોકાણકારોને રાતા પાણીએ રડાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર થઈ ગયો છે. વર્ષ 2021થી મહાઠગે ઓફિસ ખોલીને રોકાણ મેળવવા માટે રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ કર્યાનો ઘટસ્ફોટ થયો છે.


સીઆઈડી ક્રાઈમે ઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત બે રાજ્યમાં કુલ સાત સ્થળે ઓફિસ પર દરોડા પાડીને અનેક મહત્વના દસ્તાવેજ, પુરાવા એકઠા કર્યા છે. આ તરફ ઠગબાજ ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય તે માટે પોલીસે લુકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરી છે.


મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો