આણંદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ  કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે તેના કારણે લોકોમાં ફફડાટ છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોનાના કેસો સૌથી વધારે વધી રહ્યા છે. આણંદ જિલ્લામાં પણ કોરોનાના કેસો વધી રહ્યા હોવાથી હાહાકાર મચ્યો છે. આ કેસો વધે નહીં એ માટે આણંદના સારસા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. સારસા ગામમાં સ્વૈચ્છિક સાત દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સારસા ગામમાં મંગળવારે એક સાથે 25 કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં તાત્કાલિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.


આણંદના સારસા ગામે આજે 10 માર્ચથી 7 દિવસ માટે લોકડાઉન જાહેર થયું છે. ઘરવપરાશની ચીજવસ્તુની ખરીદી માટે સવારે 10 વાગ્યા સુધી છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારસા ગ્રામપંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.


આ નિર્ણય અંગે સારસા ગામના સરપંચે જણાવ્યું હતું કે, કોરોનાના કેસો તથા ચેપને રોકવા માટે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. સાત દિવસ સુધી લોકડાઉનનો અમલ કરાશે અને  સવારના 10 વાગ્યા બાદ તમામ બજારો, હોટલો સહિતના વેપારધંધા બંધ રાખવા જણાવ્યું છે. હાલમાં સારસા ગામે કોરોના પોઝિટીવ કેસો વધી રહ્યા છે તેથી  કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે ગામમાં તમામ દુકાનો, ગલ્લાઓ સહિત ધંધા-રોજગારની દુકાનો બપોરે બાર કલાક પછી બંધ રાખવામાં આવશે. આ ઉપરાંત  ગામમાં માસ્ક વગર કોઈ પણ જગ્યાએ નહીં બેસવા આદેશ અપાયો છે. ગ્રામ પંચાયતના વોર્ડ સભ્યોએ પણ ગામના દરેક નાગરીકને ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.