વલસાડ: વલસાડ જિલ્લામાં અચાનક વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ત્યારે ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. માત્ર બે જ કલાકમાં લગભગ 7 ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. મૂશળધાર વરસાદને કારણે વાહનચાલકો સહિત રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આભ ફાટ્યું હતું. ઉમરગામમાં 2 કલાકમાં 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે દિવસ દરમિયાન 10 ઈંટ જેટલો વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે ઉમરગામના સ્ટેશન રોડ, ગાંધીવાડી GIDC કોલોની અને જૈન દેરાસર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.

ઉમરગામના સ્ટેશન રોડ, ગાંધીવાડી, જીઆઇડીસી કોલોની સહિતના વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતાં. જેને કારણે લોકોને મુશ્કેલીઓ પડી હતી અને જનજીવન ખોરવાઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતાં.

મુંબઇમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વચ્ચે એકમની ભરતી વિકરાળ બનતા દરિયો પણ તોફાની બન્યો હતો જ્યારે વલસાડના તિથલના દરિયામાં પણ ભરતીની અસર જોવા મળી હતી. તિથલના દરિયા કિનારે આશરે 30 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનની સાથે એકમની ભરતીના મોજા આશરે 15 ફૂટ જેટલા ઊંચા ઉછળ્યા હતા.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. 5 અને 6 તારીખે દક્ષિણ ગુજરાત જ્યારે 7 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં હાલ અલગ-અલગ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે.