DIU : છેલ્લાં એક દાયકાથી દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસનો કબ્જો હતો. પણ આજે 7 મે ના રોજ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ (દીવ નગરપાલિકા) પર ભાજપનું શાસન આવ્યું છે. કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા દીવ મ્યુનિસિપલ કાઉન્સિલ પર કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે. દીવ મ્યુનિસિપલ કાઉન્સિલમાં કુલ 13 બેઠકો છે, જેમાં 10 કોંગ્રેસ પાસે હતી અને 3 ભાજપ પાસે હતી. આજે કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા હવે કોંગ્રેસ પાસે માત્ર 3 બેઠકો બચી છે, જયારે ભાજપની બેઠક વધીને 10 થઇ છે.
ઉલ્લેખનીય છે કે દીવ મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખને લાંબા સમયથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમના પર આવક કરતાં વધુ સંપત્તિનો કેસ હોવાના કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત તેમણે દીવની પ્રખ્યાત કોહિનૂર હોટલનો કેટલોક ભાગ સરકારી જમીન પર વધાર્યો હતો.હવે કોંગ્રેસના 7 સભ્યોના જૂથે પક્ષપલટો કરતા દીવમાં કોંગ્રેસ તૂટી છે અને ભારતીય જનતા પાર્ટી મજબૂત થઇ છે.
જીગ્નેશ મેવાણી માટે ગેનીબેન ઠાકોરની મોટી જાહેરાત
આસામની જેલમાં 9 દિવસ રહ્યા બાદ જીગ્નેશ મેવાણી તેમના વતન વડગામ પહોંચ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સત્કારવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ ખાતે સત્યમેવ જયતે જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા, ધારાસભ્ય શિવા ભાઈ ભુરીયા, કાંતિ ખરાડી નાથાભાઈ પટેલ ગેનીબેન ઠાકોર સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.આ દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વાવ સીટ પર જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત છે. જો તેઓ ત્યાંથી લડશે તો તમારા માટે બેઠક છોડવા તૈયાર. આમ જીગ્નેશ મેવાણી માટે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેનીબેને મોટી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.