SURENDRANAGAR : કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો 700 થી 800 વર્ષ પૂર્વની ઘટનાને યાદ કરી દર વર્ષની વૈશાખ સુદ એકમથી ચોથના બપોર સુધી સાડાત્રણ દિવસનાં ઉપવાસ વિવિધ સુર્યસ્થાને કરે છે, જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલ નવા સુરજદેવળ તેમજ થાનગઢ પાસે આવેલ જૂના સુરજદેવળ સ્થાને ઉપવાસીઓ જોવાં મળે છે. ઘણાં ઉપાસકો પોતાની અનુકૂળતા મૂજબ નજીકનાં આશ્રમોએ અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતાં હોય છે.
સૂર્ય ઉપાસના વૈદિકકાલથી પ્રચલિત છે જેમાં સુર્યને જગતચક્ષુ,જગત આત્મા પણ કહે છે, સુર્ય ઉપાસના 11મી સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી, પ્રભાસક્ષેત્રમાં 12 સુર્યમંદિરો હતાં પણ ધીમે ધીમે સુર્ય ઉપાસનાથી લોકો દૂર થતાં ગયા, પણ કાઠી દરબારો આજે પણ સુર્યને ઇષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે.
એવી માન્યતા પણ છે કે જૂના સુરજદેવળ પાસે આવેલ જિલણીયા તળાવનું સ્નાન, બકુલાર્કના દર્શન અને ચોટીલા ચામુંડાની સ્તુતી ન કરો ત્યાં સુધી પંચાલની યાત્રા અધૂરી છે. હજારો વર્ષો પહેલાં ભગવાન શ્રીકૃષ્ણના પુત્રએ સૂર્ય ઉપાસના કરી પોતાનાં શરીરનો કોઢ મટાડ્યો હતો તે સમયે આ પ્રદેશનું સુર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરાષ્ટ્ર નામ હતું, સમય જતાં આ પ્રદેશમાં અંગ્રેજો અને મરાઠાઓ સાથે કાઠીઓને નિરંતર સંઘર્ષ થતા આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું.
કાઠીઓ વિવિધ સ્થળોએ સ્થાળંતર કરેલ છે પણ પોતાની હાર્દસમાન સુર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી. આજથી 2500 વર્ષ પહેલા યાસ્કાચાર્યએ વેદોના શબ્દોનું અર્થઘટન કરવા માટે નિરુક્ત નામનો ગ્રંથ લખ્યો, જેમાં "કાષ્ઠા" શબ્દના ચારથી પાંચ સમાનાર્થી શબ્દો લખ્યાં છે જેમા કાષ્ઠા શબ્દનો એક અર્થ સુર્ય પણ કર્યો છે, તો કાષ્ઠાપુત્ર=સૂર્યપુત્ર પણ અર્થ થઈ શકે કદાચ કાષ્ઠામાથી અપભ્રંશ થઇ કાષ્ઠી અને કાઠી બન્યો હશે?
કાઠીઓ જે સ્થળે નિવાસ કરતાં ત્યાં સૂર્યમંદિર અવશ્ય બંધાવતા. 12મી સદીમાં કાઠીઓની રાજધાની કંથકોટ (કચ્છ) હતી ત્યાં આજે પણ સૂર્યમંદિરનાં અવશેષો મળે છે.