Gujarat Assembly session 2025: 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર આગામી 8 થી 10 સપ્ટેમ્બર, 2025 દરમિયાન યોજાશે. આ 3 દિવસના સત્રમાં રાજ્ય સરકાર કુલ 5 નવા વિધેયક રજૂ કરશે. આ વિધેયકોમાં શ્રમ, નાણા, ઉદ્યોગ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોને આવરી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 'ઓપરેશન સિંદૂર'ની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ પણ લાવવામાં આવશે.

રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આગામી વિધાનસભા સત્રની સંભવિત કામગીરી અંગે માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, સત્રની શરૂઆત 8 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોતરીથી થશે અને ત્યારબાદ શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે. વિધાનસભાના કાયદાકીય કામકાજનો મુખ્ય ભાગ 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, જ્યારે કુલ 5 નવા વિધેયક રજૂ કરીને તેના પર ચર્ચા કરવામાં આવશે.

સત્રમાં રજૂ થનાર મુખ્ય વિધેયકો:

આ સત્રમાં નીચેના પાંચ વિધેયકો રજૂ કરાશે:

  • શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ: ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’
  • નાણા વિભાગ: ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’
  • ઉદ્યોગ અને ખાણ વિભાગ: ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’

વિવિધ વિધેયકોનો હેતુ

આ દરેક વિધેયકનો ઉદ્દેશ્ય રાજ્યના સંબંધિત ક્ષેત્રોમાં સુધારા લાવવાનો છે. ‘કારખાના (ગુજરાત સુધારા) વિધેયક, 2025’ દ્વારા ઔદ્યોગિક રોકાણ વધારવા અને રોજગારીની તકો ઊભી કરવા માટે ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે કામના કલાકો સહિતની શરતોમાં સુધારા કરવામાં આવશે. આ વિધેયક તાજેતરમાં જારી થયેલા વટહુકમનું કાયદામાં રૂપાંતરણ કરશે.

બીજી તરફ, ‘ગુજરાત માલ અને સેવા કર (દ્વીતીય સુધારા) વિધેયક, 2025’ GST કાઉન્સિલની ભલામણોને ઝડપથી અમલમાં મૂકવા અને કેન્દ્ર તથા રાજ્યના GST કાયદા વચ્ચે એકરૂપતા જાળવવા માટે રજૂ કરાશે.

વ્યવસાય કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા અને ન્યાયાલયો પરનો કેસોનો ભારણ ઘટાડવા માટે ‘ગુજરાત જનવિશ્વાસ (જોગવાઇઓના સુધારા) વિધેયક, 2025’ લાવવામાં આવશે, જે કાયદાકીય નિયમોને સરળ બનાવશે.

આરોગ્ય ક્ષેત્રે, ‘ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું (સુધારા) વિધેયક, 2025’ આયુર્વેદિક અને યુનાની પ્રેક્ટિશનરો માટે નિયમનકારી સંસ્થાનું નામ બદલીને 'બોર્ડ' ને બદલે 'કાઉન્સિલ' કરશે. જ્યારે ‘ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ (રજિસ્ટ્રેશન અને નિયમન) (સુધારા) વિધેયક, 2025’ રાજ્યની ક્લિનિકલ સંસ્થાઓને 2021ના કાયદા હેઠળ નોંધણી કરવા માટે વધુ વાજબી સમય પૂરો પાડશે.