આબુઃ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં જુગાર રમતા 8 ગુજરાતીની પોલીસે ધરપકડ કરી છે.  માઉન્ટ આબુ પોલીસે જુગારધામ પર દરોડો પાડીને  દાવ પર લગાવેલા 4. 53 લાખ રોકડા, 3 લક્ઝુરીયલ કાર અને  8 મોંઘા મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આબુના ઓરિયા ગામમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામમાં ઝડપાયેલા આ 8  ગુજરાતીઓ સાણંદ, કલોલ, ગાંધીનગર અને અમદાવાદના હોવાનું પ્રાથમિક તપાસમા બહાર આવ્યું છે.

રાજસ્થાનના શિરોહી જિલ્લાનાં એસ.પી. પૂજા અવાનાના આદેશથી માઉન્ટ આબુ પીઆઈ અચલ સિંહ દેવડાએ મંગળવારે મોડીરાત્રે જુગારધામ પર ત્રાટકીને 8 ગુજરાતીને ઝડપી લધા હતા. આબુના એક બંગલામાં  જુગાર રમાડવામાં આવતો હતો એવી માહિતાના આધારે આ રેડ કરવામાં આવી હતી.

આબુ પોલીસ દ્વારા આ મહિનામાં જુગારની ત્રીજી મોટી રેડ કરવામાં આવી છે. આ ત્રણેય રેડમાં ઝડપાયેલા જુગારી ગુજરાતી છે.  થોડા દિવસ પહેલા પણ માઉન્ટ આબુમાં ગુજરાતની જુગારીઓ પકડાયા હતા. માઉન્ટઆબુની હોટલ લાસામાં જુગાર રમતાં 22 ગુજરાતીઓ ઝડપાયા હતા. માઉન્ટ આબુ પોલીસે બાતમીના આધારે રેડ કરી હોટલના રૂમમાં જુગાર રમતાં 22 જુગારીઓ પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 2,63,000 રૂપિયા રોકડા અને 5,18,000 રૂપિયાના ટોકન જપ્ત કર્યાં હતા. પોલીસે જુગારના સાહિત્ય અને 25 મોબાઇલ અને 5 લક્ઝુરિયસ કાર પણ જપ્ત કરી છે. માઉન્ટઆબુ પોલીસે 22 જુગારીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.