હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને દ્વારકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભુજમાં માત્ર બે કલાકમાં 3 ઈંચ જ્યારે કલ્યાણપુરમાં 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા એક સપ્તાહથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસદા વરસી રહ્યો છે.

મંગળવારે રાજ્યના કુલ 120 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.

ભુજ તાલુકામાં માત્ર 2 કલાકમાં જ ત્રણ ઈંચ વરસાદ પડતાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. આ સિવાય દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 4 કલાકમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સિવાય દ્વારકાના ભાણવડ તાલુકામાં ત્રણ ઈંચ, ખંભાળિયામાં પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢના વિસાવદરમાં 40 મીમી, માણાવદરમાં 41 મીમી, વંથલીમાં 46 મીમી, કેશોદમાં 41 મીમી વરસાદ પડ્યો હતો. જામનગરના લાલપુરમાં 18 મીમી, જામજોધપુરમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો.

ભુજ અને ગઢશીશા પંથકમાં બપોરે 2થી 4 વાગ્યા સુધીમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગાંધીધામમાં દોઢ, અંજારમાં એક ઇંચ ઉપરાંત માંડવીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.