હિંમતનગરઃ ગુજરાતમાં લોકડાઉન 4 આવ્યા બાદ કોરોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક જીલ્લામાંથી બીજી જીલ્લામાં જવાની છૂટ મળતા હવે કોરોનાનો કહેર મોટા શહેરથી આગળ વધીને ગામડામાં પણ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આજે કોરોનાના વધુ 8 પોઝિટિવ કેસ જોવા મળ્યા છે.


સાબરકાંઠા જિલ્લામાં આજે જે નવા કેસ આવ્યાછે તેમાં ઇડરમાં જલારામ મંદિર પાસે ૩૫ વર્ષીય યુવકને કોરોનાનો ચેપ લાગ્યો છે. ખેડબ્રહ્માના વરતોલ ગામના 27 વર્ષીય મહિલા અને 4 વર્ષીય બાળક, ખેડબ્રહ્માના નવાનાના ગામના 23 વર્ષીય પુરુષ, વિજયનગરના ચિઠોડામાં 50 વર્ષીય અને 25 વર્ષીય પુરુષ, વિજયનગરના લીમડા ગામે 42 વર્ષીય પુરુષને અને હિંમતનગરની GMERS કોલેજમાં નર્સના પતિને કોરોનો ચેપ લાગ્યો છે.

આ સાથે જ સાબરકાંઠામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 50એ પહોંચી ગઈ છે. જિલ્લામાં કુલ 3 લોકોના કોરોનાને કારણે મોત થયા છે જ્યારે 20 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

21 તારીખે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલી વિગતો અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોનાં મોત થયા છે. જેમાંથી 6 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 18નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે અમદાવાદમાં 17 , વડોદરા 3, સુરત, આણંદ,ખેડા અને મહેસાણામાં 1-1 મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 52 દર્દી વેન્ટિલેટર પર છે અને 6597 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 166152 ટેસ્ટ થયા જેમાંથી 12910 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.